વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં અપનાવેલા રિફોર્મ-પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમથી ટેક્સ સિસ્ટમ પીપલ સેન્ટ્રીક બની છે: વિકસિત ભારતના નિર્માણ માટે દેશના કરદાતાઓ અને ઇન્કમટેક્સ કર્મીઓનું પ્રદાન મહત્વપૂર્ણ :ગુજરાત કરવેરા ભરવામાં પણ દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન પામ્યું : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
૨૦૨૪-૨૫ના વર્ષના રજૂ કરાયેલા બજેટમાં જે આવક દર્શાવવામાં આવી છે તેમાંની ૪૬ ટકા જેટલી રકમ આયકર વિભાગમાંથી પ્રાપ્ત થશે :ઈન્કમટેક્સ ગુજરાતના પ્રધાન મુખ્ય આવકવેરા કમિશ્નર યશવંત યુ. ચૌહાણ
રાજ્ય સરકારની સકારાત્મક નીતિઓને કારણે આજે ધંધા-ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યું છે : TDSના મુખ્ય આયકર આયુક્ત ડૉ.બનવારીલાલ
અમદાવાદ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા દશકમાં દેશમાં રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમને પરિણામે પ્રોસેસ સેન્ટ્રીક ટેક્સ સિસ્ટમ હવે પીપલ સેન્ટ્રીક બની છે.મુખ્યમંત્રી અમદાવાદમાં ૧૬૫મા આયકર દિવસ-ઇન્કમટેક્સ ડે ની ઉજવણીના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આયોજિત સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે ‘ઓનરીંગ ધ ઓનેસ્ટ’ અન્વયે કરદાતાઓનું ગૌરવ-સન્માન પણ આ અવસરે કર્યું હતું. વડાપ્રધાનશ્રીની ત્રીજી ટર્મમાં ભારતને વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાના સંકલ્પમાં ભવિષ્યલક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી અને જનકલ્યાણ યોજનાઓ તથા લોકોએ ભરેલા ટેક્સનો વિકાસ કામોમાં સદઉપયોગ મહત્વપૂર્ણ બની રહેવાનો છે.ટેક્સ પેયર્સ એટલે કે કરદાતા દ્વારા આપવામાં આવતો ટેક્સ આવકનું મહત્વપૂર્ણ સંસાધન છે. ઇન્કમટેક્સ વિભાગની કાર્યપ્રણાલી અને ગતિવિધિમાં ટેક્નોલોજીના ઉપયોગથી પારદર્શિતા અને સરળતા લાવવાનું ભગીરથ કામ વડાપ્રધાનશ્રીએ પાર પાડ્યું છે તેમ પણ શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સ પેયર્સ માટે વડાપ્રધાનશ્રીએ જે સરળતા ઇન્કમટેક્સ વિભાગ મારફતે પાછલા દશકોમાં કરી આપી છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ફેસલેસ એસેસમેન્ટ અને ફેસલેસ અપીલથી ટ્રાન્સપરન્સી આવી છે.ટેક્સ પેયર્સ પ્રત્યેના વલણમાં આમૂલ બદલાવ આવ્યો છે. એટલું જ નહીં, આ વર્ષના કેન્દ્રીય બજેટમાં પણ કરવેરા સરળ બનાવવા સાથે ટેક્સ પેયર્સની સેવાઓમાં સુધારો કરવાના પ્રયાસોની વાત કરવામાં આવી છે.આવનારા સમયમાં ઇન્કમટેક્સ એક્ટ-૧૯૬૧ની સમીક્ષા કરીને તેને સંક્ષિપ્ત અને સ્પષ્ટ બનાવવાનો વ્યૂહ પણ આ બજેટમાં છે.વડાપ્રધાનશ્રીએ આપેલો વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ સાકાર કરવામાં દેશના કરદાતાઓ અને ઇન્કમટેક્સ વિભાગના કર્મીઓનું પ્રદાન મહત્વપૂર્ણ બનશે એવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી.ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન છે સાથો સાથ કરવેરા ભરવામાં પણ અગ્રેસર છે તેની વિસ્તૃત છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૬૪ હજાર કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન ગુજરાતમાંથી થયું છે. ન્યુ રિટર્ન્સ ફાઇલિંગમાં ગુજરાતનો વિકાસ દર દેશના ૩૨.૧૩ ટકા કરતાં વધુ એટલે કે, ૩૩.૪૯ ટકા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્કમટેક્સ વિભાગના કર્મીઓને દેશના વિકાસ અને આર્થિક સક્ષમતાના પ્રહરી ગણાવતા આહવાન કર્યું કે, દરેક કરદાતા રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન ઈમાનદારીથી ટેક્સ ભરીને આપે તેવું વાતાવરણ સૌ સાથે મળીને સર્જીએ.
આ પ્રસંગે ઈન્કમટેક્સ ગુજરાતના પ્રધાન મુખ્ય આવકવેરા કમિશ્નર યશવંત યુ.ચૌહાણે સ્વાગત સંબોધનમાં સૌને આવકારતા કહ્યું હતું કે, ૧૮૬૦માં નાણામંત્રી જેમ્સ વિલ્સને સૌપ્રથમ વખત બજેટમાં ટેકસના ચલણનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ સમયાંતરે વર્ષ ૧૮૬૫, ૧૯૨૨ અને ૧૯૬૧માં નવો એક્ટ લાગુ કરાયો હતો. આજે દેશ અનેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. ૨૦૨૪-૨૫ના વર્ષના રજૂ કરાયેલા બજેટ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, બજેટમાં જે આવક દર્શાવવામાં આવી છે તેમાંની ૪૬ ટકા જેટલી રકમ આયકર વિભાગમાંથી પ્રાપ્ત થશે. તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું કે, દેશના વિકાસ માટે આ વિભાગ અત્યંત મહત્વપૂર્ણ છે.
યશવંત યુ.ચૌહાણે વધુમાં જણાવ્યું હતુ કે બજેટમાં 48 લાખ કરોડની કુલ રાશિ છે તેમાંથી 22 લાખ કરોડ આયકર આપશે. આખા બજેટનો 46% આ એક જ સ્ત્રોત છે એટલે કે આયકર છે ઉઠાવી રહ્યું છે. રાષ્ટ્રના માટે ઇન્કમટેક્સ વિભાગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કરદાતાઓનું પણ અમે સન્માન કરીએ છીએ. ગયા વર્ષે આખા દેશમાં 19,58,000 કરોડ કરનું નેટ કલેક્શન જ્યારે આ વર્ષે ૨૨ લાખ કરોડનો ટાર્ગેટ છે. જે ગયા વર્ષ કરતા 1.5 લાખ કરોડ આશરે વધારે છે પણ અમે આ ટાર્ગેટ પૂરો કરી શકીશું અને આ વખતે ગુજરાતનો અમારો ટાર્ગેટ 1,09,000 એટલે કે એક લાખ નવ હજાર કરોડ છે જે અમે પૂર્ણ કરી શકીશું તેઓ મને વિશ્વાસ છે.
આ પ્રસંગે TDSના મુખ્ય આયકર આયુક્ત ડૉ.બનવારીલાલે ભાવપૂર્વક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની સકારાત્મક નીતિઓને કારણે આજે ધંધા-ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યું છે અને તેના કારણે ટેક્સ કલેક્શનમાં પણ રાજ્ય અગ્રેસર છે. તેમણે મુખ્યમંત્રીશ્રીને વિશ્વાસ અપતાં જણાવ્યું કે, તેમના માર્ગદર્શનમાં આયકર વિભાગ કરદાતાઓની સેવામાં તત્પર રહીને કાર્ય કરશે.આ પ્રસંગે એસેસમેન્ટ યર ૨૦૨૩-૨૪માં વ્યક્તિગત શ્રેણીમાં રાજ્યમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર બે વ્યક્તિ અને સૌથી વધુ ટેક્સ ચૂકવનાર નવી સ્થાપિત એક સ્થાનિક ઉત્પાદન કંપનીનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના અમદાવાદમાં 165માં ઇન્કમટેક્સ દિવસની ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીની હાજરી દ્વારા આ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો હતો. આ ઉજવણીમાં રાષ્ટ્રનિર્માણ અને આર્થિક વિકાસ તરફ આવકવેરા વિભાગના મહત્વપૂર્ણ લક્ષ્યો અને યોગદાનને પ્રકાશિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનુભાવો, અધિકારીઓ, મીડિયા વ્યક્તિઓ અને આદરણીય કરદાતાઓ સહિત 700 થી વધુ ઉપસ્થિતો હાજર રહ્યા હતા.ઉજવણી દરમિયાન, ઈન્કમટેક્સ, ગુજરાતના પ્રધાન મુખ્ય આવકવેરા કમિશ્નર યશવંત યુ. ચવરણે સભાને સંબોધિત કરી. કરદાતાની સેવાઓ અને અનુપાલનની સરળતામાં આવકવેરા વિભાગની સિદ્ધિઓ પર પ્રકાશ પાડયો હતો.
આજના ભવ્ય દિવસે, મુખ્ય અતિથિએ પ્રામાણિક કરદાતાઓનું સન્માન કર્યું હતું જેમનું અમૂલ્ય યોગદાન આપણા મહાન રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ છે.
ઊજવણી દરમ્યાન મૂલ્યવાન કરદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમના નામ આ મુજબ છે.
a) શ્રીમતી સીમા અજય રાંકા વ્યક્તિગત શ્રેણીમાં ગુજરાતમાં AY 2023-24 દરમિયાન સૌથી વધુ ટેક્સ ચૂકવનાર.
b) શ્રી દીપક સિંધ વ્યક્તિગત શ્રેણીમાં ગુજરાતમાં AY 2023-24 દરમિયાન સૌથી વધુ ટેક્સ ચૂકવનાર (કુલ કર ચૂકવવાપાત્ર રૂ. 10 લાખ કરતાં ઓછો અથવા તેની બરાબર).
c) મેસર્સ દ્વિજ ક્રાફ્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, નવી સ્થાપિત સ્થાનિક ઉત્પાદન કંપની જેણે ગુજરાતમાં AY 2023-24 દરમિયાન સૌથી વધુ ટેક્સ (કુલ ટેક્સ ચૂકવવાપાત્ર રૂ. 10 લાખ કરતાં ઓછો અથવા તેની બરાબર) ચૂકવ્યો હતો.આવકવેરા દિવસની ઉજવણીએ વિભાગીય કર્મચારીઓ માટે રાષ્ટ્રની સેવામાં અત્યાર સુધીની સફર નું સ્મરણ કરાવ્યું અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પોતાને ફરીથી સમર્પિત કરવા માટે આ એક પ્રસંગ તરીકે યાદગાર બનાવ્યો.આ પ્રસંગે મોટી સંખ્યામાં આયકર વિભાગ અને અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ/કર્મીઓ તેમજ કરદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.