અધિકારીઓ સાથે બેઠક યોજી બોરસદ શહેરમાં ભારે વરસાદથી સર્જાયેલ પરિસ્થિતિથી વાકેફ થયા
આણંદ
બોરસદ શહેરી વિસ્તારમાં ગત રોજ ૧૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા બોરસદ શહેરમાં આવેલ નીચાણવાળા વિસ્તાર એવા વન તળાવ વિસ્તારમાં પાણી ભરાયા હતા, જે હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે. આ વિસ્તારમાં મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે ટ્રેક્ટરમાં બેસીને પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ સમય ટ્રેક્ટર માં તેમની સાથે બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, બોરસદના પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી સહિતના લોકો જોડાયા હતા. વન તળાવ વિસ્તારમાં લોકો સાથે સંવાદ કર્યો હતો અને ભવિષ્યમાં આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રેલવે વિભાગ સાથે સંપર્ક કરીને આ વિસ્તારમાંથી પાણી વહેલી તકે નીકળી જાય અને પાણીનો ભરાવો ન થાય જેથી ભવિષ્યમાં વધુ વરસાદ વરસે તેમ છતાં પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય તેવી કામગીરી કરવામાં આવશે તેવી હૈયાધારણ આપી હતી. આ તકે બોરસદ પ્રાંત અધિકારીશ્રીએ સ્થળાંતર કરેલ લોકોને રહેવાની અને બે ટાઈમ ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.આ વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અને નગરપાલિકા દ્વારા મિથેલિયન પાવડરનો છંટકાવ અને લોકોના આરોગ્યની ચકાસણી કરી લેવા ઉપરાંત ક્લોરીનયુક્ત પાણી આપવા માટે પણ જણાવ્યું હતું.મંત્રીશ્રીએ તેમની મુલાકાત પહેલા બોરસદ સેવા સદન ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી બોરસદ શહેરમાં ગતરોજ થયેલ ભારે વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિની વિગતો મેળવી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી વાકેફ થયા હતા.