બ્લોક રોડમાં ખુબજ નબળી કક્ષાનુ કામ કરેલ હોવાનાં લીધે તમામ બ્લોક રોડ તુટી ગયા : ધાનાણી
અમદાવાદ
ગુજરાત વિધાનસભા પુર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં પેવિંગ બ્લોકની થયેલ કામગીરીની તટસ્થ તપાસ કરવા કમિશ્નર(વહિવટ) ને પત્ર લખી જાણ કરી. અમરેલી નગરપાલિકાના સદસ્યા સેજલબેન સોલંકીની રજુઆત મુજબ અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બ્લોક રોડ બનાવવામાં આવેલ છે. પરંતુ ખુબજ નબળી કક્ષાનુ કામ કરેલ હોવાનાં લીધે તમામ બ્લોક રોડ તુટી ગયેલ છે. તે બાબતે તેણીએ વિગતવાર મુદ્દાઓ સાથે તપાસ કરવા અવાર નવાર જણાવેલ પરંતુ કોઇ કારણસર તેની તપાસ થતી નથી. લોકોની સગવડ/સુખાકારી વધારવા સરકારી નાણાનો ઉપયોગ કરવા છતાં ઠેકેદારો દ્વારા કરવામાં આવેલ નબળી કામગીરીના કારણે લોકોને ખુબજ અગવડતા પડી રહેલ છે અને સરકારી નાણાનો વ્યય થયેલ છે. આમ સ્થાનિક કક્ષાએથી રજુઆત સંબંધે કોઇ કાર્યવાહી ન કરીને ઠેકેદારોની તરફેણ કરવામાં આવી રહેલ છે.તમામ બ્લોક રોડની કામગીરી બાબતે તટસ્થ એજન્સી મારફતે તપાસ કરાવી અને જવાબદારો સામે નાણા વસુલાત તથા શિક્ષાત્મક, દંડનિય કાર્યવાહી કરવામાં આવે તેવી વિનંતી ધાનાણીએ કરી હતી.