ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના જાલના જિલ્લાના ભોકરદન તાલુકામાં ખાતરની 2,000 બૅગ કૂવામાં નાખી દેવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ ખાતરના ઉપયોગથી પાકને નુકસાન થતું હોવાનું બહાર આવ્યા બાદ સંબંધિત ખાતર સપ્લાયરે ખાતરની બૅગ્સનો નાશ કરવાનો નિર્ણય કર્યો હતો.આ વાત સ્થાનિક ખેડૂતોને ધ્યાનમાં આવી હતી. તેમણે આ બાબતે કૃષિ વિભાગને જાણ કરી પછી આ ઘટના પ્રકાશમાં આવી હતી.
પોલીસે આ કેસમાં આરોપી ગણેશ ગવતેને શોધી રહી છે. ગણેશ ગવતે સરદાર કેમિકલ ઍન્ડ ફર્ટિલાઈઝર કંપનીના મૅનેજર છે. આ કંપની ગુજરાતની છે.
આ કંપની દ્વારા પોટાશનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમણે પુરાવાનો નાશ કરવાના હેતુસર ખાતરની બૅગો કૂવામાં ફેંકી દીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકરણે 20 જુલાઈએ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.તેમાં આપેલી માહિતી અનુસાર, “18 જુલાઈ 2024ના દિવસે ભોકરદન તાલુકાના નિંબોલા શિવરા ગામમાંના સંતોષ લાંબેના કૂવામાંથી, ગુજરાતની સરદાર કેમિકલ ઍન્ડ ફર્ટિલાઈઝર કંપની દ્વારા ઉત્પાદિત પોટાશ ખાતરની 2,000 બૅગ મળી આવી હતી.”
“આ ખાતરથી પાકની વૃદ્ધિમાં અડચણ થતી હોવાથી ખાતરની બધી બૅગ ગણેશ ગવતેના કહેવાથી કૂવામાં નાખવામાં આવી હોવાનું લાંબેએ જણાવ્યું હતું.”
“સરકાર કેમિકલ ઍન્ડ ફર્ટિલાઈઝર કંપની પાસે ગુજરાત સરકારનું ખાતર ઉત્પાદનનું લાઇસન્સ છે. તેની પાસે મહારાષ્ટ્ર સરકારનું ખાતરના સંગ્રહનું અને વેચાણનું લાઇસન્સ પણ છે.”
આ ખાતરમાં પર્યાવરણ માટે હાનિકારક રસાયણો હોવાથી તેની …નિયમાનુસાર પરવાનગી લીધા વિના નિકાલ કરવામાં આવ્યો હતો,” એવી નોંધ એફઆઈઆરમાં છે.
તેથી ભોકરદન તાલુકાના ખેતીવાડી અધિકારી રાજેશ તાંગડેએ સરદાર કેમિકલ ઍન્ડ ફર્ટિલાઈઝર કંપની તથા તેમના મૅનેજર ગણેશ ગવતે વિરુદ્ધ ભોકરદન તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
તાંગડેએ ફરિયાદમાં જણાવ્યું હતું કે સતોના ગામમાં કપાસની ખેતીમાં સમસ્યાઓ આવી ત્યાર બાદ સાતોના ગામના ખેડૂતોની ફરિયાદોને કારણે ગણેશ ગાવતેએ આ ખાતર વિતરકો પાસેથી પાછું મંગાવી લીધું હોય અને પુરાવા નષ્ટ કરવાના હેતુસર તેને કૂવામાં ફેંકી દીધું હોય એવી શક્યતા છે.
ભોકરદન પંચાયત સમિતિના કૃષિ અધિકારી રાજેશ તાંગડેનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું, “સંબંધિત પોટાશ ખાતર ઉત્પાદક કંપનીના મૅનેજર ગણેશ ગવતે નામની વ્યક્તિ છે અને આ કંપની ગુજરાતમાં આવેલી છે. આ કંપનીએ ગુજરાત સરકાર પાસેથી પરવાનો મેળવ્યો હોવાનું માનવામાં આવે છે.”
“ગવતેએ સરદાર કંપનીના ખાતરના સંગ્રહ તથા વેચાણ માટે મહારાષ્ટ્ર સરકાર પાસેથી પણ પરવાનો મેળવ્યો હતો.”
“અલબત્ત, તેઓ રાજ્યમાં વેચાણ માટે પીડીએમ ખાતર લાવ્યા ત્યારે આ ઘટના બની હતી. ઉચ્ચ સ્તરેથી તપાસનો આદેશ આપવામાં આવ્યો પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. કંપનીનું ખાતર અન્ય કઈ જગ્યાએ વેચવામાં આવે છે તેની તપાસ પણ ચાલુ છે,” એમ તાંગડેએ કહ્યું હતું.
ભોકરદનના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ભરત કાળેએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “ખાતર મામલે ગઈ કાલે મોડી રાતે ફરિયાદ નોંધવામાં આવી છે. તેના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ. આરોપીને પોલીસ શોધી રહી છે. અમે કૃષિ વિભાગ સાથે સતત સંપર્કમાં છીએ.”
તેમણે ઉમેર્યું હતું, “આ પહેલાં આવો કોઈ ગુનો નોંધાયો નથી. આ પ્રકરણનો આરોપી પોતે ખાતર બનાવતો હતો કે ગુજરાતમાંથી લાવતો હતો તે તપાસમાં સ્પષ્ટ થશે.”
સંભાજીનગર જિલ્લાના કેટલાક ખેડૂતોએ એક કંપની પાસેથી ખાતર ખરીદીને તેનો ઉપયોગ આદુંની ખેતી માટે કર્યો પછી તેમના પાકને નુકસાન થયું છે.
સંભાજીનગર જિલ્લાની પવન એગ્રો કંપનીના ડિરેક્ટર લક્ષ્મણ કાલેએ તેનો એક વીડિયો પ્રસિદ્ધ કર્યો છે.
તેમાં તેમણે કહ્યું છે, “અનેક ખેડૂતો મને ફોન કરી રહ્યા છે. અમે ખેડૂતોના પ્લૉટનું નિરીક્ષણ કર્યું છે. લગભગ 400 એકર જમીનમાં આદુંનો પાક ઊગ્યો જ નથી. ભયંકર સ્થિતિ છે.”
આ વીડિયોમાં કાલે આગળ કહે છે, “ગવતેની ગુજરાતમાં ક્રિસ્ટલ કૉર્પોરેશન નામની કંપની છે. અમારો પ્લાન્ટ એકદમ નવો હોવાથી અમારું ઉત્પાદન એકદમ દરજ્જેદાર છે, એવું તેમણે કહ્યું હતું. અને તેમના પર વિશ્વાસ કરીને ખાતર ખરીદ્યું હતું અને દુકાનદારોને વિતરીત કર્યું હતું. અમારી પાસે બિલ પણ છે.”
“એ ખાતરને કારણે લગભગ 400 એકર પરના પાકને નુકસાન થયું છે. અમે કંપનીનો સંપર્ક કર્યો ત્યારે ગવતેએ ‘તમારે જે કરવું હોય તે કરો’ એમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા અને છેતરપિંડી કરી હતી. તેનાથી અમારી કંપનીનું નામ પણ ખરાબ થયું છે.”
ગત વર્ષે મહારાષ્ટ્રમાં બોગસ ખાતર અને બિયારણનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. જે કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી એ પૈકીની ઘણી ગુજરાતની હતી. તેમાં અનેક મોટી કંપનીઓનો સમાવેશ થતો હતો.
આ વર્ષે ફરી એવી ઘટના બની છે. ભોકરદનમાં બહાર આવેલા પ્રકરણની કંપની પાસે પણ ગુજરાત સરકારનું લાઇસન્સ છે.
ગયા વર્ષે વર્ધામાં બોગસ બિયારણ સામેની કાર્યવાહી વિશેના સમાચાર બીબીસીએ પ્રકાશિત કર્યા હતા. સંબંધિત બિયારણ પણ ગુજરાતમાંથી જ લાવવામાં આવ્યું હતું.
ગુજરાતમાંથી ખાતર અને બિયારણ ધૂળે મારફત મહારાષ્ટ્રમાં આવે છે. ખાતરના વિક્રેતાઓ ગામડાઓમાંથી જથ્થાબંધ ઑર્ડર લે છે અને તેની ડોર-ટુ-ડોર ડિલિવરી કરે છે, એમ કૃષિ અધિકારીએ જણાવ્યું હતું.