ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા એક પત્ર બહાર પાડી ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં ઠાકોર સમાજ માટે વપરાતા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાંસદ ભરતસિંહ ડાભીએ આ અંગે રજૂઆત કરી હતી. સમાજની માંગને લઈ મુખ્યમંત્રીએ આ અંગે નિર્ણય લીધો હતો.
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના આ પત્રમાં જ્યાં પણ આ પ્રતિબંધિત શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં ઠાકોર સમજવું તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
શાળા છોડ્યાના પ્રમાણપત્રમાં અથવા મહેસૂલી રેકર્ડમાં, પંચાયતી રેકર્ડમાં તથા અન્ય સરકારી રેકર્ડમાં આ પ્રતિબંધિત શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો તેના બદલે ઠાકોર તરીકે સંબોધન કરવાનું કહેવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ ઠરાવમાં વધુમાં જણાવાયું છે કે, જાતિ પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત કરવામાં આવેલ સક્ષમ અધિકારીઓ સહિત અન્ય તમામ સંબંધિત અધિકારીઓ સરકારના આ નિર્ણયથી વાકેફ થાય અને તેનો ચુસ્તપણે અમલ થાય તે માટેની તજવીજ તમામ વહીવટી વિભાગો અને નિયામક, વિકસતિ જાતિ કલ્યાણે કરવાની રહેશે.