400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારના મંત્રી અને ઈફ્કોના ચેરમનેનને ઝટકો આપ્યો છે. 400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડમાં ભૂતપૂર્વ મંત્રી પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી છે.
હવે આ બંને સામે કેસ સામે કાયદાકીય કાર્યવાહી થવાની પૂરી સંભાવના છે.બંને નેતાઓએ પોતાને નિર્દોષ સાબિત કરવા પડશે. આ કેસમાં કોર્ટે એવી પણ નોંધ મૂકી હતી કે, બંને સામે મુકવામાં આવેલા આરોપો પાયાવિહિન નથી. બંને પૂર્વ મંત્રી ઉપરાંત અન્ય 5ની અરજી ફ્ગાવી દેવામાં આવતી હતી. હવે આ કેસમાં બંને પૂર્વ મંત્રીઓ ભરાય તેવી સંભાવના છે. સંઘાણી હાલમાં ઈફ્કોમાં ચેરમેન છે. મંત્રીઓ વિરૂદ્ધ કેસ ચલાવવા રાજ્યપાલની સંમતિ લેવા માટે મરાડિયાએ લાંબી કાનૂની લડત લડવી પડી હતી. આખરે અરજદારને આ કેસમાં ન્યાય મળ્યો છે. ઇશાક મરાડિયાને તત્કાલિન મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત કરવા માટે ભારે મહેનત કરવી પડી હતી. બંને મંત્રીઓ સહિતના કેટલાક અધિકારીઓેએ આ કેસમાં પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પ્રયાસો કર્યા હતા પરંતુ તેમના પ્રયાસો સફળ રહ્યાં નથી.
12 માર્ચ, 2021 ના રોજ ગાંધીનગરની વિશેષ એન્ટી કરપ્શન અદાલતે તેમને નિર્દોષ જાહેર કરવાનો ઇનકાર કર્યા પછી ગુજરાતના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સંઘાણી, રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન સોલંકી અને અન્ય આરોપી અરુણકુમાર સુતરિયાએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ હેમંત પ્રાચાકે શુક્રવારે ભ્રષ્ટાચારના આરોપો પર ભૂતપૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને પુરષોત્તમ સોલંકી અને તેમના ગૌણ કર્મચારીઓની ટ્રાયલનો માર્ગ મોકળો કરીને નિર્દોષ છૂટવાની વિનંતીઓ ફગાવી દીધી હતી. જો કે, વિનંતી પર ન્યાયાધીશે સ્ટે ચાર અઠવાડિયા માટે લંબાવ્યો છે. પુરષોત્તમ સોલંકી હાલની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ મંત્રી છે. જેમની તબિયત નરમ ગરમ રહેતી હોવા છતાં કોળી સમાજના કદાવર નેતાને અવગણવા ભાજપને ભારે પડી શકે છે. જેઓ ચાલુ સરકારમાં પણ મંત્રી છે. અરજદાર ઇશાક મરાડિયાએ સોલંકીના મત્સ્યપાલન મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રદ કરાયેલા ફિશિંગ કોન્ટ્રાક્ટ્સ અને કથિત અનિયમિતતાઓને ઉજાગર કરવા માટે હાઈકોર્ટના હસ્તક્ષેપની માગ કરી છે.
આ પ્રકરણમાં સોલંકી, સંઘાણી અને અન્યો પર રાજ્યના 58 જળાશયો માટે માછીમારીના કોન્ટ્રાક્ટ સહકારી જૂથોને કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેના પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પહેલાં પણ ગાંધીનગરની કોર્ટે બંનેને ડિસ્ચાર્જ કરવાની અરજી ફ્ગાવતી વખતે ટાંક્યું હતું કે, તપાસ રિપોર્ટને ધ્યાને લેતા કેસ બનતો હોવાનું પહેલી નજરે દેખાય છે. ગુજરાતમાં 400 કરોડના આ ફિશરીંગ કેસમાં ફરી નવા તથ્યો બહાર આવે તો નવાઈ નહીં.