બિહારના સુપૌલમાં બુધવારે (31 જુલાઈ) સવારે 3મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને અન્ય એક છોકરાએ ગોળી મારી હતી. આ ઘટના ત્રિવેણીગંજના લાલપટ્ટીમાં આવેલી એક ખાનગી બોર્ડિંગ સ્કૂલમાં બની હતી. જે બાળકને ગોળી વાગી તેની ઉંમર 10 થી 12 વર્ષની આસપાસ હશે. ગોળી તેના ડાબા હાથની હથેળીમાં વાગી હતી અને તેમાંથી પસાર થઈ હતી.જોકે, શૂટિંગનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.
ઘાયલ બાળકને સારવાર માટે સબ-ડિવિઝનલ હોસ્પિટલ ત્રિવેણીગંજમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની અહીં સારવાર ચાલી રહી છે. જોકે તેની હાલત ખતરાની બહાર છે. આ ઘટના બાદ શાળામાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
હાલ આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે બાળક પર ગોળી મારનાર બાળક પાસે હથિયાર કેવી રીતે આવ્યું? પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોળી મારનાર વિદ્યાર્થી પણ આ શાળાનો જ બાળક છે. તેની ઉંમર 6-7 વર્ષની આસપાસ હશે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અગાઉ ફાયરિંગ કરનાર વિદ્યાર્થીના પિતા આ સ્કૂલમાં ગાર્ડ તરીકે કામ કરતા હતા. ગોળી ચલાવનાર વિદ્યાર્થી નર્સરીમાં અભ્યાસ કરે છે.
આ મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના પરિવાર (કાકા)એ જણાવ્યું કે, શાળાના પ્રિન્સિપાલે જાણ કરી કે તમારા બાળકને ગોળી વાગી છે. હોસ્પિટલમાં આવો. તો બીજી તરફ આરોપી વિદ્યાર્થીના પિતાને જાણ થતાં તેઓ પણ શાળાએ પહોંચ્યા હતા. તેણે ઝડપથી પ્રિન્સિપાલના ટેબલ પરથી બંદૂક લીધી અને તેના પુત્ર સાથે સ્કૂલની દિવાલ કૂદીને ભાગી ગયો. તેણે પોતાનું બાઇક શાળામાં જ છોડી દીધું હતું. ઘાયલ વિદ્યાર્થીના પરિવારજનોએ આ સમગ્ર મામલે શાળા પ્રશાસન અને પોલીસ પાસે તપાસની માંગ કરી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું ન હતું. જોકે, ફાયરિંગની ઘટનાથી સમગ્ર સ્કૂલમાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઉપરાંત બાળકો પણ ડરી ગયા હતા.