બાંગ્લાદેશથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં બાંગ્લાદેશમાં રવિવારે જ હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. હિંસામાં એક હિન્દુ કાઉન્સિલરનું પણ મોત થયું હતું. રંગપુર શહેરના કાઉન્સિલર હરાધન રોય હારાના ઘર પર દેખાવકારોએ હુમલો કરીને માર માર્યો હતો. આ તરફ હવે અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, હિન્દુઓના મંદિરો અને તેમના ઘરોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
વિરોધીઓએ ઈસ્કોન અને કાલી મંદિરમાં પણ તોડફોડ કરી હતી અને ભક્તો પર હુમલો કર્યો હતો. આ પછી તેમણે પોતાનો જીવ બચાવવા ભાગવું પડ્યું હતું.
બાંગ્લાદેશના હરધન રોય રંગપુર શહેરના વોર્ડ નંબર 4માંથી પરશુરામ થાના અવામી લીગ પાર્ટીના કાઉન્સિલર હતા. એક અહેવાલ મુજબ કાજલ રોય નામની કાઉન્સિલરની પણ રવિવારે હત્યા કરવામાં આવી હતી. નોંધનિય છે કે, પ્રદર્શનકારીઓ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા પર અડગ છે. અનામત વિરુદ્ધ શરૂ થયેલી હિંસાનો રાજકીય અને સાંપ્રદાયિક ઉછાળો પણ હવે સામે આવી રહ્યો છે. સરકાર સમર્થકો અને વિપક્ષો વચ્ચે વિવિધ સ્થળોએ હિંસક અથડામણ થઈ રહી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
ભારતે રવિવારે રાત્રે બાંગ્લાદેશમાં રહેતા તેના તમામ નાગરિકોને ‘અત્યંત સાવધાની’ રાખવા અને પડોશી દેશમાં હિંસાની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને તેમની હિલચાલ મર્યાદિત કરવાની સલાહ પણ આપી છે .ભારતે એક નવી એડવાઈઝરી જાહેર કરીને તેના નાગરિકોને આગામી આદેશો સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવા જણાવ્યું છે. ઢાકાના અહેવાલો અનુસાર રવિવારે બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં સુરક્ષા દળો અને સરકાર વિરોધી વિરોધીઓ વચ્ચેની ઘાતક અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 97 લોકો માર્યા ગયા હતા.
આ તરફ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી અને દેશભરમાં અનિશ્ચિત કરફ્યુ લાદ્યો. સરકારી નોકરીઓમાં અનામત પ્રણાલીના મુદ્દે થયેલા હોબાળાને લઈને સરકારના રાજીનામાની માંગ કરી રહેલા વિરોધીઓ રવિવારે ‘વિદ્યાર્થી વિરુદ્ધ ભેદભાવ’ના બેનર હેઠળ આયોજિત ‘અસહકાર કાર્યક્રમ’માં ભાગ લેવા આવ્યા હતા. અવામી લીગ, છત્ર લીગ અને જુબો લીગના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો અને બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું.
સરકારી એજન્સીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક’, ‘મેસેન્જર’, ‘વોટ્સએપ’ અને ‘ઇન્સ્ટાગ્રામ’ને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અખબારે અહેવાલ આપ્યો છે કે, મોબાઈલ પ્રોવાઈડર્સને 4G ઈન્ટરનેટ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન વડા પ્રધાન હસીનાએ કહ્યું હતું કે, જે લોકો વિરોધના નામે બાંગ્લાદેશમાં તોડફોડ કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદી છે અને લોકોને આવા લોકો સાથે કડક રીતે વ્યવહાર કરવા જણાવ્યું હતું. વિરોધને કારણે ઢાકામાં મોટાભાગની દુકાનો અને મોલ બંધ રહ્યા હતા. ઢાકાના શાહબાગમાં સેંકડો વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકો એકઠા થયા છે, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે.