નાંદેડના દેગલુર નાકા વિસ્તારમાં રહેતા અને બારમા ધોરણમાં ભણતા પાંચ મિત્રો ગઈ કાલે બપોરે ઝરીની ખાણના નીચાણમાં બનેલા તળાવ પાસે ફરવા ગયા હતા. પહેલાં તેમણે ત્યાં તેમના ફોટો પાડ્યા હતા અને સેલ્ફી લીધા હતા. એ પછી એમાંના ચાર જણ પાણીમાં ઊતર્યા હતા. એક ટીનેજર સહેજ વધુ અંદર જતો રહ્યો હતો, પણ ઊંડાઈનો અંદાજ ન આવતાં ડૂબવા માંડ્યો હતો.
એથી તેના બીજા મિત્રો તેને બચાવવા એ તરફ આગળ વધ્યા હતા અને તેઓ પણ ડૂબવા માંડ્યા હતા. એ જોઈને બહાર બેસેલો મિત્ર ગભરાઈ ગયો હતો. તે ગામ તરફ દોડ્યો હતો અને ત્યાંથી લોકોને મદદ કરવા બોલાવી લાવ્યો હતો. દરમ્યાન કોઈએ પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરતાં તેમની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી.
એ મિત્રોના સંબંધીઓ પણ દોડી આવ્યા હતા. રેસ્ક્યુ ટીમના જવાનોએ જોકે આખરે એ ચારેય ટીનેજરોના મૃતદેહ ૩૦ ફુટ ઊંડા પાણીમાંથી બહાર કાઢ્યા હતા. એકસાથે ચાર યુવાનોનાં મોત થવાથી આખા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી.