આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કસારી ગામમાં આડાસબંધની આશંકાએ પરિણીતાને તાલીબાની સજા આપવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પીડિત પરિણિતાએ પોતાના પતિ, જેઠ-જેઠાણી તેમજ સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બોદાલ ગામમાં રહેતી સંગીતા નામની મહિલાના લગ્ન આજથી 11 વર્ષ અગાઉ કસારી ગામના ઈન્દિરાનગરમાં રહેતા વિષ્ણુ તળપદા સાથે થયા હતા.
ગત 30 જુલાઈના રોજ સંગીતાના પિયર બોદાલ ખાતે મહેશભાઈનો જન્મદિન હોવાથી તેઓ ત્યાં ગયા હતા. જ્યાંથી 4 ઓગસ્ટે પતિ વિષ્ણુભાઈ માતાજીના દર્શન કરવાનું કહીને સંગીતાને તેડીને કસારી ગામમાં લઈ આવ્યો હતો.
સાસરીમાં આવતા જ પતિએ પોત પ્રકાશ્યું હતુ અને ‘તારા ભાયડાનો બર્થ ડે હતો તેથી તું ગયેલી’ કહી ફટકારી હતી. આ દરમિયાન સંગીતાની બૂમાબૂમ સાંભળીને તેના જેઠ-જેઠાણી અને સાસુ પણ આવી પહોંચ્યા હતા. જેમણે સંગીતાને ખાટલા પર સૂવડાવી દીધી હતી. જે બાદ પતિએ પત્નીના ગુપ્તભાગે બેરહેમીથી લાતો મારી હતી, જ્યારે જેઠાણીએ લાલ મરચું લાવીને સંગીતાના ગુપ્તભાગે નાંખી દીધુ હતુ. જ્યારે સાસુએ લાકડાના પાટીયા વડે ઢોરમાર માર્યો હતો.
આટલાથી સંતોષ ના થતાં જેઠાણીએ સંગીતાના વાળ કાપીને દોરડા વડે બાંધીને ઘરની બહાર કાઢીને તેનું સરઘસ કાઢ્યું હતુ. આ સમયે આસપાસના લોકોએ વચ્ચે પડીને સંગીતાને છોડાવીને હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં સંગીતાની ફરિયાદના આધારે પોલીસે પતિ વિષ્ણુ, જેઠ અશોક, જેઠાણી મંજુલા અને સાસુ શારદાબેન વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.