ગાંધીનગરનાં કુડાસણમાં આવેલા લંડન યાર્ડ પીઝા આઉટલેટને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાંડર્ડ એક્ટ હેઠળ ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં લંડન યાર્ડ પીઝાનાં સંચાલકોએ નિયમોનું કોઈ પાલન કરવામાં નહીં આવતાં આખરે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી શાખાએ લાયસન્સ સસ્પેન્ડ કરી ધંધો બંધ કરી દેવાની સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં નાગરિકોને શુધ્ધ સલામાત અને ગુણવત્તાયુકત ખોરાક મળી રહે તે માટે ફૂડ સેફ્ટી શાખા દ્વારા છાસવારે ખાણી પીણીનાં એકમો પર સઘન ચેકીંગ કરવામાં આવતું રહેતું હોય છે. ત્યારે ફૂડ સેફ્ટીનાં અધિકારીઓએ ગત. ત્રીજી જુલાઈના રોજ કુડાસણનાં લંડન યાર્ડ પિઝા ખાતે સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું.
જેમાં રેસ્ટોરેન્ટનાં કિચનમાં અન-હાઈજીન તથા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાંડર્ડ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવતાં હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. જે અન્વયે ગાંધીનગર મહાનગરપાલિકાના ડેઝીગ્નેટેડ ઓફીસર દ્વારા ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવી જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. તેમ છતાં લંડન યાર્ડ પિઝા રેસ્ટોરન્ટનાં સંચાલકોએ ફૂડ સેફ્ટીનાં નિયમોનો ઉલાળિયો કરી નોટિસ મુજબની કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. જેનાં પગલે ફૂડ સેફ્ટી તંત્રએ ફૂડ સેફ્ટીનાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લંડન યાર્ડ પિઝા રેસ્ટોરન્ટનું લાઈસન્સ સસ્પેન્ડ કરી ધંધો બંધ કરી દેવાની સંચાલકે સૂચનાઓ આપી દેવામાં આવી છે.