યંગસ્ટર્સમાં કિડની ફેલ્યોરનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને 40 વર્ષથી નીચેની વયના યુવાનોમાં કિડની ફેઇલ થવાનો સિલસિલો વધી રહ્યો છે. જોકે મોટી ઉંમરના લોકોમાં પણ કિડની ફેઇલ થાય છે, પરંતુ ટ્રાન્સપ્લાન્ટનું પ્રમાણ 40 વર્ષથી નીચેની વયના યુવાનોમાં વધી રહ્યું છે. આ ઉપરાંત નાનાં બાળકોમાં પણ કિડની ફેઇલ થવાના કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. ગુજરાતમાં આ કિસ્સાઓમાં વધારો થવો એ એક ચિંતાજનક બાબત છે. એશિયાની સૌથી મોટી જાહેર હોસ્પિટલ એવી સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલ એટલે કે ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં 40 વર્ષથી નીચેની વયના યુવાનોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. ત્રણ વર્ષમાં અહીં કિડની ટ્રાન્સપ્લાન્ટના 1046 દર્દીમાંથી 763 દર્દી 40 વર્ષથી નીચેની વયના છે.
અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલમાં 2021થી 2023 સુધીમાં કુલ 1046 કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું છે. એમાંથી 763 દર્દી 40 વર્ષથી ઓછી વયના હતા, જ્યારે 283 દર્દી 40 વર્ષથી વધુ વયના હતા. ત્રણ વર્ષમાં કિડની હોસ્પિટલમાં થયેલા 1046 ટ્રાન્સલેટમાંથી 650 લાઈવ કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસ હતા, એટલે કે એમાં કોઈ જીવિત વ્યક્તિએ પોતાના સંબંધીને જીવનદાન આપવા માટે પોતાની એક કિડનીનું દાન કર્યું હોય. 396 એડવર ટ્રાન્સપ્લાન્ટ હતા, એટલે કે કોઈ મૃત વ્યક્તિ દ્વારા અંગદાનમાં મળેલી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરીને દર્દીઓને જીવતદાન આપવામાં આવ્યું હોય. એટલે કે યંગસ્ટર્સમાં વધી રહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટના કિસ્સાઓમાં કોઈને કોઈ સગાસંબંધી દ્વારા તેમને કિડની દાન કરવામાં આવતી હોય છે, કારણ કે 40થી વધુ વયના લોકોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટનું પ્રમાણ ઘણું ઓછું છે, કેમ કે મોટે ભાગે આ ઉંમર પછી દર્દીઓને ડાયાલિસિસ પર રાખવાનો નિર્ણય પરિવાર દ્વારા લેવામાં આવતો હોય છે, પરંતુ યુવાનોમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવીને તેમને સ્વસ્થ જીવન મળી શકે એ માટે દર્દીનાં પરિવારજનો દ્વારા કિડની ટ્રાન્સપ્લાટનો નિર્ણય લેવામાં આવે છે.
કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો. પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે યુવાનોમાં કિડની ફેલ્યોર વધવાનું સૌથી મોટું કારણ યુવાનોની લાઈફસ્ટાઇલ છે, કારણ કે
જીવનશૈલી શરીરનાં તમામ અંગો ઉપર સૌથી વધુ ગંભીર
અસરો કરે છે. એમાં કિડની એ શરીરનું અમૂલ્ય અંગ છે,
આથી લાઈફસ્ટાઈલ અને યુવાનોમાં વધતા જતા સ્ટ્રેસ
લેવલની અસર કિડની પર પડે છે. આ ઉપરાંત બહારનું
જમવાનું અને વધુપડતું મીઠાઈયુક્ત ભોજન તથા બેઠાડું
જીવન કિડની સહિત શરીરના અન્ય ભાગો ઉપર સૌથી
વધુ અસર કરે છે. આ ઉપરાંત રાત્રે ઊજાગરા, પૂરતી ઊંઘ
ન લેવી અને સોલ્ટી ફૂડની સિધી કિડની પર અસર કરે છે.
એને કારણે યુવાનોમાં કિડની ફેલ્યોરનું પ્રમાણ વધ્યું છે.
પહેલાના સમયમાં મોટી ઉંમરના લોકોમાં આ સ્થિતિ જોવા
મળતી હતી, કારણ કે વર્ષો સુધી કિડની એકધારું કાર્ય કરતી
હોવાથી કેટલીક વખત વિવિધ કારણોસર મોટી ઉંમરના
એટલે કે વૃદ્ધ લોકોમાં કિડની ફેલ્યોરની સ્થિતિ થતી હતી,
જેને કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની ફરજ પડતી હતી,
પરંતુ હવે 40 વર્ષથી નીચેના યુવાનોમાં કિડની ફેઇલ થતાં
ટ્રાન્સફર કરવાની ફરજ પડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કિડની એકાએક ફેઇલ થતી નથી, એ પહેલાં શરીર તમને કેટલાંક લક્ષણો દર્શાવે છે. જો એ સમજીને તાત્કાલિક તબીબ પાસે પહોંચો તો ગંભીર સ્થિતિમાંથી બચી શકાય છે, પરંતુ યુવાનો આ લક્ષણોની અવગણના કરીને અંત સમયે જ ડોક્ટર પાસે પહોંચતા હોય છે, આથી ડોક્ટર પાસે પણ ટ્રાન્સપ્લાન્ટ અથવા ડાયાલિસિસ સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. તમારી કિડની ઉપર વધુ ભારણ હોય અથવા તો એની સ્થિતિ સામાન્ય ન હોય ત્યારે એ આપણા શરીરમાં વિવિધ લક્ષણો દર્શાવે છે, જેમ કે સતત માથું દુખવું, દિવસ-રાત થાક લાગવો, પગમાં સોજા આવવા, ઊલટી, ઉબકા આવવા, હાઈ બ્લડપ્રેશર હોવું, ડાયાબિટીસ હોવું વગેરે લક્ષણો આપણા શરીરને દર્શાવે છે, જેનું તાત્કાલિક નિદાન કરવાથી છેલ્લા સ્ટેજ સુધી કેસ પહોંચતાં અટકે છે.
યુવાનો કેટલીક વખત લાઈફસ્ટાઈલને કારણે આ તમામ લક્ષણોની અવગણના કરે છે, કારણ કે હાલની જીવનશૈલી એટલી ઝડપી બની ગઈ છે કે યુવાનો સતત તણાવ અને ચિંતામાં રહેતા હોય છે. જેને કારણે નાનીમોટી શારીરિક તકલીફની અવગણના કરતા થયા છે, જેમ કે માથું દુખે તો કોઈ પેનકિલર લઈ લે અથવા તો કેટલીક વખત દરરોજ માથું દુખવાથી કેટલીક પેનકિલરની આદત પાડી દેતા હોય છે, જે કિડની ઉપર અસર કરે છે. આ ઉપરાંત પગમાં સોજા આવે તો રાત્રે પગ ઊંચા રાખીને સૂઈ જવું, ઊલટી- ઉબકા આવે તો એની સામાન્ય દવા લઈ લેવી અથવા હાઈ બ્લડપ્રેશર કે ડાયાબિટીસ હોય એનું નિદાન થયા બાદ પણ રેગ્યુલર એની દવા ન લેવી. આ તમામ કારણોને લીધે યંગસ્ટર્સમાં કિડની ફેલ થતાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની ફરજ પડે છે.
બાળકોમાં પણ કિડની ફેલ્યોરના કિસ્સા વધવા એ ચિંતાજનક બાબત છે. પહેલા પણ બાળકોમાં કોઈને કોઈ કારણોસર કિડની ફેઇલ થતી હતી, પરંતુ હાલના સમયમાં નાની ઉંમરથી જ બાળકોમાં બહારના પેકેટ ફૂડનું સેવન અથવા તો વધુપડતું મીઠાયુક્ત ખોરાકનું સેવન અને કૂપોષણને કારણે બાળકોમાં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની ફરજ પડે છે, પરંતુ તેની સામે ડોનર્સની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી કેટલાંક બાળકોને ડાયાલિસિસ પર રાખવાની ફરજ પડે છે. આપણી કમનસીબી છે કે બાળકોને કિડની ડોનર્સ મળતા નથી અને એને કારણે કિડની ફેલ્યોર થતાં ડાયાલિસિસ પર રાખવા પડે છે અને કેટલાક બાળકોનું એમાં મોત પણ થાય છે.