ગુજરાત સહિત અન્ય રાજ્યોના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીમાં ધર્મપરિવર્તન મોટો ચિંતાનો વિષય બન્યો છે. ધર્મપરિવર્તન થયેલા આદીવાસીઓને આદીવાસીઓનો કોઈ લાભ મળવો ન જોઈએ એવી મુહિમ હાલ વિવિધ હિંદુ સંગઠનો દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ મુદ્દે હિંદુ સંગઠનોએ રેલી યોજીને જનજાગૃતિ પણ ફેલાવી હતી. ત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારાના 200 જેટલા આદિવાસીમાંથી ખ્રિસ્તી બનેલા આદિવાસી પરિવારોએ પુનઃ ઘરવાપસી કરી હિંદુ ધર્મમાં જોડાયાં હતાં.
ડેડીયાપાડામાં જાનકી આશ્રમના પ્રાંગણમાં આદિવાસી દિવસ તથા નાગ પંચમીના ઉત્સવ નિમિત્તે 200 પરિવારનું શુદ્ધિકરણ વૈદિક વિધિથી સાધુ- સંતો, હિંદુ સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવ કુંડી હવન કરવામાં આવ્યો હતો અને વસ્ત્રદાન વાસણો ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.ખ્રિસ્તી બની ગયેલા આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મનો ત્યાગ કરી ફરી પ્રકૃતિપૂજક બની ઘરવાપસી તરફ પ્રયાણ કર્યો છે. ત્યારે એ તમામ 200 પરિવારોએ અંધશ્રદ્ધા, કુરિવાજ છોડી, વ્યસન મુક્તિની સાથે સાથે કોઈ પણ સ્થિતિમાં આદિમ સંસ્કૃતિનો ત્યાગ ન કરવા સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે ખ્રિસ્તી ધર્મ છોડી ફરી હિંદુ ધર્મ અપનાવેલા આદિવાસીઓને હિંદુ ધર્મમાં દેવી દેવતાઓ અને રૂઢિગત પરંપરા વિશે સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે હિંદુ સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે, ગરીબ ગ્રામીણ આદિવાસી સમાજના ધાર્મિક, સામાજિક અને સર્વાંગી વિકાસ માટે આપણે બધાએ મળીને પ્રયાસ કરવાનો છે. આજે આ કાર્ય એટલું આસાન નથી.આદિવાસીઓને ધર્મપરિવર્તન કરાવતી સંસ્થાઓ હાલમાં ઘણી કાર્યરત છે. અમે પણ દિવસ રાત મહેનત કરી રહ્યા છે, જનજાગૃતિ દ્વારા લોકોને જોડી રહ્યા છે. હિંદુ ધર્મના વ્યવહાર અને સંસ્કૃતિ વિશે એ લોકોને માહિતગાર કરી રહ્યા છીએ.