સુરેન્દ્રનગરમાં તિરંગા યાત્રા રોકી ટીશર્ટ કઢાવવાની ઘટનાને લઈને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે. ઋત્વિક મકવાણા કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય છે.ભારતીય ન્યાય સંહિતા મુજબ ફરિયાદ નોંધાઈ છે.
આ સાથે જ કોંગ્રેસના નેતાઓ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગેની જાણકારી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી માહિતી આપી છે. હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે વીર સાવરકરજીને દેશભક્તિનું પ્રમાણપત્ર આપવાની લાયકાત કોંગ્રેસ કે વીડિયોમાં નજરે પડતા નેતાઓની નથી. સુરેન્દ્રનગર ખાતે તિરંગા યાત્રામાં બાળકોના ટીશર્ટ લઈ લેવા તે અતિ નિંદનીય બાબત છે.
ત્યારે વીર સાવરકરજી અને નેતા સુભાષચંદ્ર બોઝજીનું અપમાન કરનાર આ લોકો પર આજે ભારતીય ન્યાય સંહિતાની કલમ 126(2), 189(3), 221, 197 (C)(D), 352, 353 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરની સેવાભાવી સંસ્થા દ્વારા બાળકોને વીર સાવરકરના ટીશર્ટ પહેરાવામાં આવતા રૂત્વિક મકવાણાએ વિરોધ કર્યો હતો.
રૂત્વિક મકવાણાએ કહ્યું હતું કે શાળાના બાળકોના મનમાં ગાંધીજી, સરદાર પટેલ જેવા મહાન લડવૈયાના સ્થાને ભાજપ વીર સાવરકરને રાષ્ટ્રીય હીરો બનાવવા માગે છે. ઉલ્લેખનીય છે કે ઈન્દુમતી વસંતલાલ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ ટીર્શટ વિતરણ કરવામાં આવ્યા હતા, ત્યારે ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા નિવેદન આપતા કહેવામાં આવ્યું હતું કે રૂત્વિકભાઈ દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. અમારી સંસ્થા દર વર્ષે બાળકોને ટીશર્ટ, નોટબુક સહિતનું વિતરણ કરવામાં આવે છે. અમે દેશ માટે કંઈક બલીદાન આપ્યાએ જાંબાજોના ફોટા ટીશર્ટ પર છપાવીએ છીએ, અમારે રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી.
ત્યારે ટ્રસ્ટી ઉમેશભાઈ શાહે કહ્યું હતું કે રૂત્વિકભાઈનું નિવેદન શરમજનક છે તો બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે ન્યાય યાત્રા આજે નિકળી, તિરંગા યાત્રા 3 વર્ષથી નીકળે છે. ન્યાય યાત્રામાં લોકો એકઠા ન થયા અને કાર્યક્રમનો ફીયાસ્કો થતા કોંગ્રેસના લોકો ખોટા સ્ટેટમેન્ટ આપે છે.