વડોદરા શહેરના વાડી પોલીસ મથકની હદમાં પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને નિંદ્રાધીન પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્ની દ્વારા પતિની હત્યાને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટી ગયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાડી વિસ્તારમાં આવેલ મોગલવાડાના સોહેલ ચેમ્બરમાં રહેતા મોહમદ હમજા અબ્દુલ કાદીર તનસુઝવાલા (24) ગઈકાલે રાતે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યો નહતો.
જેથી તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. જ્યાં ફરજ પરના તબીબોએ ચકાસીને મોહમદ હમજાને મૃત જાહેર કર્યો હતો.
જે બાદ મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું ગળે ટૂંપો આપવાથી શ્વાસ રુંધાઈ જવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતુ. જેથી પોલીસની તપાસમાં મૃતકની પત્ની બીબી ફાતિમા અને તેના પ્રેમી સાહીલ પઠાણ દ્વારા હત્યાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બીબી ફાતિમાએ લગ્ન પછી પણ સાહીલ સાથે પ્રેમ સબંધ ચાલુ રાખ્યા હતા. જેના કારણે બીબી ફાતિમા અને મોહમદ હમજા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
ગઈકાલે પણ પતિ-પત્ની વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. જે બાદ બીબી ફાતિમાએ પોતાના પ્રેમી સાથે મળીને ગાઢ નિંદર માણી રહેલા પોતાના પતિને હમજાના મોંઢા પર ઓશિકુ મૂકીને પતાવી દીધો હતો. સવારે હોસ્પિટલમાં હમજા રાતે સૂઈ ગયા બાદ સવારે ઉઠ્યો નહતો તેવું લખાયું હતુ. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભાંડો ફૂટી ગયો હતો.