રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા યુવાને તેના મિત્રને ઉછીના આપેલ રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલ મિત્ર અને તેની સાથેના અન્ય બે લોકો સહિત કુલ 3 લોકોએ સાથે મળી પોલીસપુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપી છે. જે સમગ્ર ઘટના દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. હાલ યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં ન્યુ એ.એસ.આઇ બિલ્ડિંગમાં રહેતા પોલીસપુત્ર જન્મજયસિંહ જયપાલસિંહ ઝાલાએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, હું બી. કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. ગઈકાલે (15 ઓગસ્ટ) સાંજના 7 વાગ્યે હું મારા મિત્ર હર્ષિતસિંહ શકિતસિંહ ચુડાસમાનું વાહન લઇ મારા ઘરેથી સાથે વિષ્ણુવિહાર સોસાયટી સામે આવેલ સેવક પાન-ફાકીની દુકાને બેસવા ગયો હતાં. ત્યારે રોહિત રમેશભાઈ ડાભી જે મારો મિત્ર છે અને અમો ત્રણેય મિત્રો ત્યાં બેસેલા હતા. તે વખતે મારા અન્ય મિત્રો અયાન આરિફભાઇ લંજા, યશુ પ્રવીણભાઇ દવેરા અને શાહરુખ 10 વાગ્યાના આસપાસ આવ્યા હતા.
મેં આજથી 15 દિવસ પહેલાં મારા મિત્ર અયાન આરિફભાઇ લંજાને 1.15 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. જેમાં તેણે મને રૂ.40,000 પરત આપી દીધી હતા અને મારે રૂ.75,000 લેવાના બાકી છે. જેથી મેં તેને કહ્યું કે, મને મારા પૈસા આપી દેજો. આ દરમિયાન અયાન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મને ગાળો દેવા લાગ્યો હતો. તો તેની સાથે આવેલ યશુ પ્રવીણભાઇ દવેરાએ મને શરીરે ઢીક્કા-પાટુનો માર મારવા લાગ્યો હતો. તે વખતે અયાને પોતાની પાસે રહેલ છરી વડે મને ડાબા પગમાં સાથળના પાછળના ભાગે બે ઘા મારી દીધા હતાં અને મને કહ્યું કે, આજ તો તને જાનથી મારી નાખવો છે.
તેની સાથેનો શાહરુખે પણ મને જેમ ફાવે તેમ ગાળો આપી ઢીક્કા-પાટુનો માર માર્યો હતો. ત્યાં હાજર મારા મિત્રો રોહિત અને હર્ષિતસિંહ વચ્ચે પડી મને વધુ મારથી બચાવ્યો હતો. ઉપરાંત મને છરી વાગવાથી લોહી નીકળતું હોવાથી અને દેકારો થતાં ધણા લોકો સ્થળે ભેગા થઈ જતા આ ત્રણેય લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદ મારા મિત્રો કામીલ, અરબાઝ અને હર્ષિતસિંહએ મને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા છે. હાલ મારી સારવાર ચાલુ છે અને હું સંપૂર્ણ ભાનમાં છું.
આ બનાવનું કારણ એ છે કે, મારા ઓળખીતા મિત્ર અયાન
આરીફભાઇ લંજાને મેં પંદર દિવસ પહેલાં પૈસા આપ્યા
હતા. જે પરત માંગતા અયાન સાથે આવેલ યશુ પ્રવીણભાઈ
દવેરાએ અને શાહરુખે મને ગાળો આપી માર માર્યો હતો. તો
અયાને તેની પાસે રહેલ છરી વડે મને ડાબા પગમાં સાથળના
પાછળના ભાગે બે ધા મારી જાનથી મારી નાખવાની
ધમકી આપી હતી. જેથી આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધી
કાયદેસરની કાર્યવાહી કરવા માગ છે. આ મામલે યુનિવર્સિટી
પોલીસે હાલ BNS કલમ 117(2), 115(2), 352,
351(2), 54 તથા જીપીએક્ટની કલમ 135(1) મુજબ
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.