અમેરિકન ફૂડ રેગ્યુલેટરને એમડીએચ કંપનીના સાંભાર મસાલામાં સાલ્મોનેલા નામનો બેક્ટેરિયા મળ્યો છે, ત્યારબાદ અમેરિકી રિટેલ માર્કેટમાં એક ડિસ્ટ્રીબ્યુટરને તેની દુકાનમાંથી એમડીએચ મસાલના ત્રણ લોટ કાઢી નાખવા પડ્યા છે.
યૂએસ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ નિવેદન બહાર પાડી જણાવ્યું છેકે, એમડીએચની આ પ્રોડક્ટને સર્ટિફાઇડ લેબમાં તપાસવામાં આવી છે, જેમાં જાણવા મળ્યું છેકે, અંદર સાલ્મોનેલા નામનો બેક્ટેરિયા છે.
સાલ્મોનેલા બેક્ટેરિયાની ચપેટમાં આવવાનાં લક્ષણ
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, એફડીએ ને જાણવા મળ્યું કે, બજારમાં કેટલીક એવી પ્રોડક્ટ્સ વેચાય છે, જેમાં સાલ્મોનેલા બેક્ટેરિયા છે. ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ બીમારીનાં શરૂઆતનાં લક્ષણ ડાયરિયા, પેટમાં ચૂંક સહિત 12 થી 72 કલાકમાં ધગધગતો તાવ ચઢે છે.
તે ખતરનાક સ્તરે પહોંચી જાય તો દરદીને ધગધગતો તાવ, માથાનો દુખાવો, થાક અને પેશાબમાં લોહી પડવાની સમસ્યા થવા લાગે છે. આ બીમારી બાળકો, પુખ્ત લોકો અને વૃદ્ધોને પણ થઈ શકે છે. જે લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેમને આ રોગ બહુ ઝડપથી થાય છે.
આ પહેલાં પણ ઊઠ્યા હતા સવાલ
ઉલ્લેખનિય છે કે, આ પહેલાં પણ અમેરિકામાં એમડીએચ મસાલા પર સવાલ ઊભા થયા હતા. વર્ષ 2016 થી 2018 વચ્ચે લગભગ 20 વાર એમડીએચ મસાલાઓની પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકાઈ ચૂક્યો છે.