રાજ્યમાં વધુ એક બેંક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં વેપારીએ લોન માટે કરેલી અરજીના સામે બારોબાર લોન મંજુર કરી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સુરતમાં રહેતા વેપારી દિનેશભાઈ નાવડિયા અને વિજયભાઈ નાવડિયાને મશીનરી લેવા માટે લોનની જરૂર હોય મહેસાણા અર્બન કો- ઓપરેટીવ બેંકમાં 4 કરોડ 90 લાખની મોર્ગેજ લોન એપ્લાય કરી હતી. જેના જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ પ્રોપર્ટીની મુલાકાત લીધા પહેલા જ લોન એકાઉન્ટમાંથી 4 કરોડ 88 લાખ રૂપિયા ઉપડી ગયા હતા, જેની જાણ તેઓને કરવામાં આવી પણ ન હતી. જોકે બાદમાં તેઓને 2 લાખ 81 હજાર રૂપિયા વ્યાજ ભરવાનો મેસેજ મળતા તેઓએ બેંકમાં તપાસ કરતા સમગ્ર કોભાંડ સામે આવ્યું હતું. તેઓએ ખાતાની ચેકબુક માંગતા તેમાંથી 3 કોરા ચેક ગાયબ હતા અને જે સહી વિનાના ચેકથી આ રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ સમગ્ર કૌભાંડમાં બેંકના પૂર્વ કર્મી નૈમેષ પટેલ તેમજ સંજય પટેલ અને અન્ય લોકો સામેલ હોય તેઓએ પોલીસમા અરજી કરી હતી. બાદમાં આરોપી નૈમેષ દ્વારા ફરિયાદીના ખાતામાંથી ઉપાડેલી રકમ પરત જમા કરી દેવામાં આવી હતી. આ રીતે અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી કૌભાંડ કરવામાં આવ્યું હોય તેવી આશંકા સાથે તેઓ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ સમક્ષ ફરિયાદ કરવા ગયા હતા.