દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલા વાપી તાલુકામાં રવિવારે સૌથી વધારે લગભગ 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.તો કેટલાક વિસ્તારોમાં અલગઅલગ જગ્યાએ છુટોછવાયો વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા તો કેટલાંક ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયાં.
શનિવારે ભારે વરસાદને કારણે અમદાવાદમાં ઘાટલોડિયા અને નારણપુરા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.
દક્ષિણ ગુજરાતનાં વલસાડ, સુરત અને નવસારીમાં રવિવારે ભારે વરસાદ જોવા મળ્યો હતો.
બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદે જનમાષ્ટમીના મેળાની મજા બગાડી હતી.
રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને જોતાં ગુજરાત સરકાર પણ હરકતમાં આવી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જીલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટે પ્રબંધન અંગે સૂચના આપી હતી.
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરી હતી. અમિત શાહે મુખ્યમંત્રીને રાજ્યને મદદ બાબતે આશ્વાસન આપ્યું હતું.
એક અહેવાલ પ્રમાણે, શાહે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વાતચીત દરમિયાન રાજ્યને તમામ મદદ આપવાનો વાયદો પણ કર્યો હતો.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર તથા કચ્છના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કોઈ વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો વરસાદ પણ થઈ શકે છે.