રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિ,વર્ષ 2014થી અત્યાર સુધીમાં કુલ 3,03,305થી વધારે કિસ્સામાં પીડિતાઓને ઘટનાસ્થળે સહાય અપાઈ : 1,91,523થી વધારે પીડિતાઓના પરિવારોને બચાવાયા
અમદાવાદ
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ રાજ્યનાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા સાથે અમદાવાદના કઠવાડા સ્થિત EMRI GHS સંચાલિત 181-અભયમ મહિલા હેલ્પલાઇન રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં મંત્રીશ્રીએ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે કાર્યરત સમગ્ર દેશમાં સૌ પ્રથમ એવી ગુજરાતની 181 હેલ્પલાઇનની અદ્યતન ટેક્નોલૉજી, કાર્યપ્રણાલી, તાલીમબદ્ધ કર્મચારીઓ તથા અભયમ્ વાનની રૂબરૂ મુલાકાત લઈ, ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આ હેલ્પલાઇન દ્વારા મુશ્કેલ સંજોગોમાં મુકાયેલી, હિંસા કે અત્યાચારનો ભોગ બનેલી, ઘરેલુ અત્યાચાર, કામના સ્થળે કે અન્ય કોઈ સ્થળે જાતીય સતામણી, છેડતી, ભ્રૂણ હત્યા, સાયબર ગુનાનો ભોગ બનનારી મહિલાઓની સામાજિક સુરક્ષા નિશ્ચિત કરવાની દિશામાં રાજ્ય સરકારની આ હેલ્પલાઇન ખૂબ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહી હોવાનો સંતોષ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા કાર્યરત્ મહિલાઓની સલામતી તથા ઘરેલુ હિંસાના કિસ્સાઓમાં સુરક્ષા માટે 24×7 કાર્યરત્ 181-અભયમ્ મહિલા હેલ્પલાઇનની સફળ કામગીરીને બિરદાવી, સમગ્ર કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ આવી આગવી વ્યવસ્થાનો લાભ દેશનાં અન્ય રાજ્યોને પણ મળે તેવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં મહિલાઓની સુરક્ષા માટે ઘટના સ્થળે તાલીમબદ્ધ ટીમ દ્વારા ઝડપી પ્રતિસાદ પૂરો પાડવા માટે ટેક્નોલૉજીસભર, જીપીએસ ટ્રેકિંગ સહિતની વ્યવસ્થા સાથે આ પ્રકારની પહેલ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. હાલ 181-મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ 59 રેસ્ક્યૂ વાનનો કાફલો મહિલા કાઉન્સેલર અને પોલીસ કોન્સ્ટેબલ સાથે 24×7 મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે. આ માટે રાજ્યમાં સૌ પ્રથમ એવી ઇન્ટિગ્રેટેડ 181 અભયમ્ મોબાઇલ એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે.
આ પ્રકારે વર્ષ 2014માં આ હેલ્પલાઇનના પ્રારંભથી જુલાઈ-2024 સુધીમાં કુલ 15,10,897 કોલ્સને પ્રતિસાદ આપવામાં આવ્યો છે, જ્યારે તાકીદની પરિસ્થિતિમાં કુલ 3,03,305થી વધારે કિસ્સામાં ઘટનાસ્થળે અભયમ્ વાન દ્વારા પીડિતાઓને સહાય પૂરી પાડવામાં આવેલ છે તેમજ 1,91,523થી વધારે કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જ સમાધાન કરી પીડિત મહિલાઓના પરિવારોને બચાવવામાં આવ્યા છે.આ તકે મંત્રીશ્રી સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય સચિવ શ્રી અનિલ મલિક, અધિક સચિવશ્રી જ્ઞાનેશ ભારતી, રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, કમિશનર શ્રી રણજીત કુમાર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.