ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદના આધારે નવસારીના આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી છે. સહાયક મોટર વાહન નિરીક્ષક સંતોષસિંહ સર્વજીતસિંહ યાદવ (મૂળ રહે. મોમાઈનગર, ગાંધીનગર, જામનગર)ને 7 હજારની લાંચ સ્વીકારતા નવસારી આરટીઓ કચેરીમાંથી ઝડપી લઇ જરૂરી કાર્યવાહી આરંભી છે.
એસીબી ગુજરાતના ટોલ ફ્રી નંબર 1064 પર નવસારી આરટીઓ કચેરીના અધિકારી/કર્મચારીઓની હેરાનગતિ અંગે ફરિયાદ મળી હતી. જેમાં લાંચની રકમ મેળવવા માટે નવસારી હાઇવે પરથી પસાર થતી અન્ય રાજ્યોની ટ્રકોને જુદા જુદા બહાના હેઠળ ડિટેઇન કરી લેવામાં આવતી હતી. ડિટેઇન કરાયેલી ટ્રક છોડાવવા માટે ટ્રક ડ્રાઇવર/માલિકે નિયમને આધિન દંડ ઉપરાંત રૂપિયા 5 હજારથી 10 હજાર સુધી લાંચ આપવી પડતી હતી.
જેને પગલે આવા લાંચીયા આરટીઓ અધિકારીને ઝડપી લેવા માટે નવસારી એસીબી સ્ટાફે ફરિયાદીના સહયોગથી ડીકોય ગોઠવી હતી. આજ રોજ આસિ. મોટર વ્હિકલ્સ ઇન્સ્પેક્ટર સંતોષસિંહ યાદવે (ઉં. 35) ડિટેઇન કરેલી ટ્રકને છોડવા માટે નિર્ધારીત દંડ ઉપરાંત 7 હજાર રૂપિયાની લાંચ માગી હતી. સંતોષસિંહ યાદવ નવસારી આરટીઓ કચેરીમાં આવેલી ઇન્સ્પેક્ટર ઑફિસમાં લાંચ લેતા ઝડપી લઇ 7 હજાર કબજે કરાયા છે.
આરોપી સંતોષસિંહ યાદવ વર્ષ 2013માં નોકરી લાગ્યો હતો અને છેલ્લાં સાડા ચાર વર્ષથી નવસારી આરટીઓ કચેરી ખાતે ફરજ બજાવતો હતો અને મહિને 35 હજાર પગાર મેળવતો હતો.ડીકોય કામગીરી નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પીઆઇ બી. ડી. રાઠવા તથા સ્ટાફે કરી હતી. જ્યારે મદદનીશ નિયામક એસીબી-સુરત આર. આર. ચૌધરીનું સુપરવિઝન રહ્યું હતું.