સરખેજ ભારતી આશ્રમનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાતોરાત સરખેજ આશ્રમ પર હરિહરાનંદ બાપુ દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. આશ્રમમાંથી કેટલીક વિવાદિત વસ્તુઓ મળી આવી હતી. ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી સામે પણ કેટલાક આક્ષેપો કર્યા હતા. ત્યારે આજે બન્ને દ્વારા એક પત્રકાર પરિષદ કરાઇ હતી અને પોતાના પર લગાવેયાલે આક્ષેપોનો જવાબ આપ્યો હતો.
એ સમયે વિશ્વેશ્વરી માતાએ રડતાં રડતાં સ્વીકાર્યું હતું કે, આશ્રમમાંથી મળેલા કપડાં તેમના છે. તેમણે કહ્યું કે મારે કોઇ બાળકી નથી આ નિરાધાર બાળકીનું હું પાલનપોષણ કરું છું.
આજે વિશ્વેશ્વરી ભારતીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છેકે, મને હરિહરાનંદ બાપુએ દિક્ષા આપી છે. બાપુને ખ્યાલ હોયને કે મારે ભાઈ હતો. મારા ભાઈની દીકરી છે. આ ભારતી આશ્રમની અંદર જ્યારે મોટા બાપુએ મને દિક્ષા આપી અને સનાથલ આશ્રમની અંદર કહ્યું કે વિશ્વેશ્વરી મારે તને ત્યાં બેસાડવાની છે. મને અહીં બાપુ બેસાડીને ગયા છે અને હું મારી એક્ટિવિટી સમગ્ર સમાજ જોવે છે. હું ધર્મના કાર્ય કરી રહી છું અને કરતી રહીશ. મારો ધર્મ કોઇની ટીકા-ટીપ્પણી કરવાનો નથી.
તેમણે વધુમાં કહ્યું કે, એટલે હું એ વાતમાં એક શબ્દ નહીં બોલું. મારા વિશે જેને જે બોલવું હોય એ બોલી શકે છે. કોર્ટ કેસ અમારો ચાલે છે.જે પ્રકારે વકીલો કહેશે એ પ્રમાણે કરીશું. માતાજીએ તેમના ઉપર લાગેલા આરોપોનું ખંડન કરતાં કહ્યું કે, મારે કોઈ દીકરી નથી, એકતા નામની આ દીકરી માતા પિતા વગરની છે જેનું પાલનપોષણ હું કરું છું અને આ મારી સાથે સરખેજ ભારતી આશ્રમમાં પણ રહેતી અને અહિં શાંતિપુરા આશ્રમમાં પણ રહે છે. આ બાળકીના માતા પિતા એના જન્મ પછી થોડાક સમય બાદ ગુજરી ગયા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, મે મારા જીવનમાં એવું ખરાબ કાર્ય નથી કર્યું. આજે મારી એકતા મારી સામે છે એટલે હું આજે મારો પક્ષ રજૂ કરું છું. ગુરુ એ પિતા સમાન છે અને જો ગુરુ મારા કપડા વિશે આવી વાતો કરે. હું સાધ્વી છું તો મારો રુમ આશ્રમમાં નહીં હોય તો ક્યાં હશે. આ પ્રકારના આરોપ લાગે ત્યારે હૃદયથી ખૂબ દુઃખ થાય છે. જે રમકડાં છે એ હું સ્વીકારું છું કે અમારી એકતાના છે અને એ બધાય ભક્તોએ આપેલા છે મારી એકતાને ભેટમાં આપ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે, મારી સાથે બીજા પણ નાના નાના છોકરા હોય છે. આ દીકરીના માતાનું નામ વિલાશબેન પ્રકાશભાઈ ગીડા છે અને મારું નામ પણ જૂનું નામ વિલાશબેન છે એટલે એ લોકોને એવું લાગ્યું હશે. પરંતુ કંઇપણ કાર્ય કરો કોઇપણ વ્યક્તિ વિશે ત્યારે વિચારીને કરવું જોઇએ. જેના માતા-પિતા ન હોય તે સંતોના આશ્રમમાં જ મોટા થતાં હોય છે.
આજે ઋષિભારતી બાપુના સમર્થનમાં એક બેઠક મળી રહી છે. ઋષિભારતી બાપુ લંબેનારાયણ આશ્રમ પહોંચ્યા છે. વિશ્વેશ્વરી ભારતી પણ બાળકીને સાથે લઇને આવ્યા હતા. બાળકી વિશ્વેશ્વરી ભારતીની હોવાનો આરોપ લાગ્યો હતો. ત્યારે શાંતિપુરા સ્થિત લંબે નારાયણ આશ્રમમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. ગઈકાલે સાંજે ઋષિ ભારતી દ્વારા તથા આશ્રમના ટ્રસ્ટીઓ દ્વારા મેસેજ વાયરલ કરીને ક્ષત્રિય સમાજ અને કોળી સમાજના લોકોને એકઠા થવાનું પણ કરવામાં આવ્યું હતું.