કોરોના મહામારી અને લોકડાઉનના લીધે અર્થવ્યવસ્થાને થતા નુકસાનની સૌથી વધુ અસર પગારવર્ગ અને નોકરિયાત વર્ગ પર જોવા મળી છે. પરંતુ હવે નોકરિયાત વર્ગને કેન્દ્ર સરકાર કર કપાતની ભેટ શકે છે. આગામી બજેટમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ નોકરિયાત વર્ગ માટે આ છૂટનું એલાન કરી શકે છે. હકીકતમાં, કેટલાંક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર સ્ટાન્ડર્ડ ડિડકશન લિમિટ મેડિકલ ઇન્શયોરન્સ બેનિફિટ અને ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 80સી અંતર્ગત મળતી છૂટની લિમિટ વધારી શકે છે. આ વર્ષે નોકરિયાત વર્ગને સેલરી કપાતને લઇને નોકરી ગુમાવવા સુધીનું નુકસાન ભોગવવું પડ્યું. તેવામાં કેન્દ્ર સરકારની આ સોગાતથી તેમને કેટલીક રાહત મળી શકે છે.
એક મીડિયા રિપોર્ટમાં નાણા મંત્રાલય (Ministry of Finance)ના સૂત્રોના હવાલે લખવામાં આવ્યું છે કે બજેટ 2021-22માં નોકરિયાત લોકો માટે ઇનકમ ટેક્સ છૂટ આપવાની તૈયારી ચાલી રહી છે. સરકાર તરફથી આ એલાન એટલા માટે થઇ શકે છે જેથી આ વર્ગની કેટલીક વધારાની બચત થઇ શકે, કોરોના વાયરસ બાદ હવે છૂટક અથવા જથ્થાબંધ મોંધવારી દરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આમ આદમીના ઘરમાં દૈનિક રૂપે ઉપયોગમાં લેવાતી રોજિંદા જીવનની વસ્તુઓ મોંધી થતી જઇ રહી છે. તેવામાં સરકારનું માનવુ છે કે ઓછા વેતન અને વધતા ખર્ચ વચ્ચે સામંજસ્ય બેસાડવા માટે નોકરિયાત વર્ગને કેટલીક રાહત મળવી જોઇએ. જો કે સત્તાવાર સૂત્રોના હવાલે તે પણ કહેવામાં આવ્યું છે કે સ્ટાન્ડર્ડ ડિડકશનની લિમિટ વધારીને નોકરિયાત વર્ગને રાહત આપવામાં આવી શકે છે. વર્તમાનમાં સ્ટાન્ડર્ડ ડિડકશનની લિમિટ 50,000 રૂપિયા છે, જેને વધારીને 1,00,000 રૂપિયા સુધી કરવામાં આવી શકે છે.