અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા વિસ્તારમાં આવેલા પગીયાના મુવાડા ગામમાં રહેતી એક યુવતિએ કુવામાં પડીને આપઘાત કરી લીધો હતો જે અંગે પ્રેમપ્રકરણની શંકા રાખી યુવતિના પરિવારજનો સહિતના ટોળાએ ઉશ્કેરાઈને ગામના જ યુવકને ઢસડી લાવી ઢોર માર મારી અધમુવો કરી નાંખ્યો હતો. જો કે આ ઘટનાની જાણ થતા તરત જ દોડી આવેલી પોલીસે ટોળાને વિખેરી યુવાનને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બેકાબુ ટોળાએ યુવક પર હિંસક હુમલો કરતા આખરે પોલીસે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. જોકે આ મામલે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. સમગ્ર બાયડ પંથકમાં ચકચાર મચાવી દેનારી આ ઘટના અંગેની મળતી વિગતો અનુસાર પગીયાના મુવાડા ગામ ખાતે રહેતી એક યુવતિએ કોઈ કારણોસર કુવામાં દોરડુ બાંધી લટકી જઈ આપઘાત કરી લીધો હતો. આજે સવારે તેનો મૃતદેહ મળી આવતા ઘટનાસ્થળે જોતજોતામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. આ યુવતિએ પ્રેમ પ્રકરણના લીધે આપઘાત કર્યો હોવાની વાત વહેતી થતા લોકોમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો યુવતિએ ગામના જ સાવન કરશનભાઈ સોલંકી નામના યુવાનના કારણે આ પગલું ભરી લીધું હોવાની શંકા જાગી હતીજો કે આ મામલે યુવતિના પરિવારજનોને સમજાવવા છતા મામલો થાળે પડયો નહોતો. દરમિયાનમાં ઉશ્કેરાયેલા યુવતિના પરિવારજનો અને અમુક ગામલોકોના ટોળાએ એકત્ર થઈને સાવન સોલંકી નામના યુવાનને પકડી ગામમાં ઢસડી લાવી જાહેરમાં ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. ટોળાના મારના કારણે યુવક અધમુવો થઈ ગયો હતો. બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે સૌપ્રથમ બળપ્રયોગ કર્યો હતો પરંતુ તેમ છતાં ઉશ્કેરાયેલું ટોળુ કાબૂમાં ન આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ યુવકને છોડાવવા માટે હવામાં ત્રણ રાઉન્ડ ગોળીબાર કરવાની ફરજ પડી હતી. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કુવામાં ખાબકેલી યુવતિનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલવામાં આવ્યો છે. તેમજ યુવાન પર જીવલેણ હુમલો કરનાર ટોળા સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.
યુવતીના પરિવારજનો પ્રેમ સંબંધ સ્વિકારવા તૈયાર ન હતા શુક્રવારે પગીયાના મુવાડા ખાતે પ્રેમ પ્રકરણમાં યુવતીની ગુમ થયા પછી કુવામાંથી લાશ મળી હતીયુવતીને જે યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો તે યુવક અને યુવતી નજીક નજીક કુટુંબના હોવાથી સમાજમાં બદનામી ના ડરે યુવતીના પરિવારજનોએ યુવતીની સગાઈ કરી લગ્ન લેવાની તૈયારીઓ હાથ ધરી હતી અને ટૂંક સમયમાં યુવતીના લગ્ન થવાના હતા ત્યારે ગુરૂવારે રાત્રે ૮ વાગે અચાનક યુવતી ગુમ થતા અને પ્રેમ સંબંધ ધરાવતો યુવક પણ ઘરે ન હોવાથી પરિવાજનોને શંકા જતા યુવતીની ભારે શોધખોળ છતાં યુવતી મળી ન હતી. બીજી બાજુ યુવતીનો દુપટ્ટો કુવામાંથી મળી આવતા પરિવારજનોએ કુવામાં તપાસ કરતા યુવતીની લાશ મળી આવતા યુવકે યુવતીની હત્યા કરી કુવામાં નાખી દીધી હોવાની આશંકા પગલે યુવકને ઢોર માર મારવાનું શરૂ કરાયું હતું. યુવતીના પ્રેમીને ઉઠાવી જઈ થાંભલા સાથે બાંધી દીધો હતો યુવતીનો અત્તો પત્તો ન લાગતા યુવતીના પરિવારજનો તેના પ્રેમીને ઘરેથી ઉઠાવી લઇ યુવતીના ઘર નજીક થાંભલે બાંધી દીધો હતો અને યુવકે રાત્રે યુવતી તેની સાથે હોવાનું એ મોડી રાત્રે ઘર નજીક છોડી દીધું હોવાનું જણાવતા પરિવારજનો અને ટોળાએ યુવતીની શોધખોળ કરતા ઘર નજીક અવાવરૂ કુવામાંથી યુવતીનો મૃતદેહ મળી આવતા પરિવારજનો અને ટોળુ ઉશ્કેરાયું હતું અને યુવકને યુવતીના પરિવારજનો અને લોકોએ ઢોર માર મારવાનું શરૂ કરતા યુવકના પરિવારજનોએ સાઠંબા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર સ્થિતી અંગે જીલ્લા પોલીસવડાને ઘટનાની જાણ કરતા યુવકને બચાવવા જીલ્લા પોલીસ કાફલો મોકલી આપ્યો હતો. યુવતીના પરિવારજનો અને ટોળાને સમજવાનો પ્રયત્ન કરવા છતાં ટસના મસ ના થતા આખરે પોલીસે હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ટોળાને વિખેરી નાખી ગંભીર ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે વાત્રક હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ યુવક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.