દક્ષિણ ભારતના પ્રસિદ્ધ એવા તિરુપતિ મંદિરમાં વિતરીત કરાતા પ્રસાદમાં જાનવરની ચરબી, માછલીનું ઓઇલ અને હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાના વિવાદનો રેલો છેક ગુજરાત સુધી પહોંચ્યો છે. પ્રસાદ બનાવવા વાપરવામાં આવતું ઘી અમુલ દ્વારા સપ્લાય કરાતુ હોવાનો અફવા ફેલાતા અમુલ દ્વારા આ અંગે સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવાઈ છે.
તિરુપતિ બાલાજી મંદિર વિવાદમાં ગુજરાતની ડેરી બ્રાન્ડ અમૂલનું નામ પણ ફરતું થયું છે. સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અમૂલે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને ઘીનો જથ્થો આપ્યો હતો. અમૂલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અમૂલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અમૂલે ક્યારેય TTDને ઘી આપ્યું નથી.”
અમુલ દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. અમુલ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ. પ્રસાદમાં ઘી મામલે અમુલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવ્યો હોવાનાં સમાચાર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તિરુપતિ મંદિરમાં અમુલ ઘીનો સપ્લાય કરવામાં નથી આવતો તેવી સ્પષ્ટતા કરાઈ છે. તેમજ અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ થઈ.
અમૂલે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમનું ઘી ISO પ્રમાણિત સુવિધાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધમાંથી બનાવવામાં આવે છે. તિરુપતિ મંદિરમાં ભક્તોને પીરસવામાં આવતા લાડુમાં પ્રાણીની ચરબી અને માછલીનું તેલ ભેળવવાનો મામલો સામે આવ્યો છે. જે બાદ આ મામલો ખૂબ જ ગરમાયો હતો.
અમૂલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આરોપો પર સ્પષ્ટતા કરી છે. આમાં, કંપનીએ કહ્યું કે તેણે તે અફવાઓને નકારી કાઢી છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ઘી આપ્યું છે. અમૂલે તેના નિવેદનમાં કહ્યું છે કે તેમનું ઘી ઉચ્ચ ગુણવત્તાની શુદ્ધ દૂધની ચરબીમાંથી બનાવવામાં આવે છે. આ ઘી અનેક ગુણવત્તાની તપાસમાંથી પસાર થાય છે. તેમાં કોઈ ભેળસેળ નથી તેની ખાતરી કરવા માટે આ વસ્તુનું FSSAI ધોરણો મુજબ પણ પરીક્ષણ કરવામાં આવે છે. કંપનીએ કહ્યું કે આ પોસ્ટનો હેતુ અમૂલ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાના અભિયાનને ખતમ કરવાનો છે.