અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રીશ્રીના અધ્યક્ષપદે અમદાવાદ શહેરના ટ્રાફિક પ્રશ્નોના નિવારણ માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, અમદાવાદ શહેર અને પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ટ્રાફીકના પ્રશ્નો, ટ્રાફીક સમસ્યા અને તેના ઉકેલ માટે સંયુક્ત બેઠક યોજીને સુચના આપી હતી.
અમદાવાદ પોલીસ કમિશનરશ્રી અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને સ્થળ વિઝિટ કરવા સૂચના આપી હતી તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી અને મહાનગર પાલિકાના ઝોનલ અધિકારીશ્રીએ દર ૧૫ દિવસે મિટીંગ કરીને ટ્રાફીકના પ્રશ્નોની સમસ્યાના ઉકેલ માટે તાકીદ કરી હતી. તે ઉપરાંત દર મહિને પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મિટીંગ કરવાની તેમજ દર ૨ મહિને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી કક્ષાએ સમીક્ષા બેઠક યોજીને ગૃહરાજ્યમંત્રીશ્રીને અહેવાલ આપવા સૂચના આપી છે.