ભરૂચ ઝઘડિયા તાલુકાના ધારોલી ગામની મૂળ વતની પરંતુ હાલ પતિ ગૌરવ મહેશ વસાવા સાથે માલજીપુરામાં રહેતી ફૈઝાએ તેના પિતા મોહમંદ મુનાફ શેખ અને માતા મુન્તશીરા સામે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મને ગૌરવ સાથે ત્રણ વર્ષ કરતાં વધારે સમયથી પ્રેમ સબંધ હતો અને એક માસ અગાઉ મેં મારી મરજીથી ગૌરવ સાથે પ્રેમલગ્ન કર્યા છે.
કોરોના દરમ્યાન હું ગૌરવ સાથે મોબાઈલ પર વાતચીત કરતી હતી, ત્યારે માતા જોઈ જતાં તેની જાણ મારા પિતાને કરી હતી.
પિતા ગુસ્સે થયા હતા અને મારા માથાના વાળ પકડી મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, અને મારો મોબાઈલ પર તોડી નાખ્યો હતો. મારા ગૌરવ સાથેના પ્રેમલગ્નની જાણ થતાં માતા અને પિતા અવારનવાર માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કરતાં હતા. માતા અને પિતાના ત્રાસથી કંટાળીને મે ગૌરવને ફોન કર્યો હતો, તે મને 23 ઓગસ્ટના રોજ લેવા આવ્યો હતો. અમે મંદિરમાં જઈને ફૂલ હાર કર્યા અને ત્યારબાદ વડોદરામાં હિન્દુ ધર્મ મુજબ લગ્ન કર્યા હતા.
ફૈઝાએ પોલીસ ફરિયાદમાં પોતાના માતા- અને પિતા સામે ગંભીર આરોપ લગાવ્યા હતા કે મારા પિતાને મારા પ્રેમસંબધની જાણ થતાં જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગળા પર શેરડી કાપવાનું હથિયાર મૂકીને જાનથી મારી નાખવાની અને એસિડ નાખી કદરૂપી બનાવી દેવાની પણ ધમકી આપી હતી.
જો તું ગૌરવ સાથે સબંધ રાખીશ તો કોઈને ખબર પણ નહીં પડે તે રીતે મારી ને દફન કરી દઈશું. અમે કહીએ ત્યાં જ તારે લગ્ન કરવા પડશે નહીં તે દુબઈમાં વેચી મારીશું, જો તે પણ નહીં થાય તો તારું અને ગૌરવનું ગળું કાપીને ગામમાં લઈને ફરીશું.