કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામતવિરોધી આપેલા નિવેદનને લઈ આજે અમદાવાદમાં શહેર ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યાં હતાં, જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યાં હતાં. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ દર્શાવ્યો છે.
રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલે કહ્યું હતું કે “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળતા. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસીઓ અને દલિતોનાં નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. તેઓ ભારતના 50 ટકા છે, પરંતુ આપણે આ બીમારીની દવા નથી કરતા, જોકે હવે અનામત એ એકમાત્ર સાધન નથી, અન્ય સાધનો પણ છે.
કાર્યક્રમમાં અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા, અસારવાના પૂર્વ ધારાસભ્ય પ્રદિપ પરમાર, રાજ્યના પૂર્વ મંત્રી કિરીટ પરમાર તથા પૂર્વ સાંસદ કિરીટ સોલંકી દ્વારા રાહુલ ગાંધી દ્વારા અનામત હટાવવાના નિવેદનને સખત શબ્દોમાં વખોડ્યું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે, દેશના સંવિધાનનું સોથી વધુ વાર જો કોઈએ અપમાન કર્યું હોય તો તે કોંગ્રેસ સરકાર છે. ભાજપે સંવિધાનમાં જ્યારે પણ ફેરફાર કર્યો છે ત્યારે દેશના હિતમાં કર્યો છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી નહેરુની ઈચ્છા ન હોવા છતાં મહાત્મા ગાંધીજી તથા સરદાર વલ્લભભાઈ પટેલના કહેવા પર બાબાસાહેબ આંબેડકરને સંવિધાન સમિતિમાં લીધા હતા. કોંગ્રેસ અને ગાંધી પરીવાર ક્યારેય અનામતના સમર્થનમાં ન હતાં. કોંગ્રેસની સરકારે 25 જૂન 1975ના રોજ કટોકટી સમગ્ર દેશમાં અમલ કરાવી સંવિધાનની હત્યા કરી હતી. કમનસીબે જે વ્યક્તિને દેશના ઈતિહાસની ખબર નથી, જેણે હંમેશા વિદેશની ધરતી પર દેશનું અપમાન કર્યું છે તે રાહુલ ગાંધી દેશના વિરોધપક્ષના નેતા છે.
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ ડો. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી વિદેશની ધરતી પર જઈ દેશ વિશે જેમ ફાવે તેમ બોલે છે. જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે 1962માં તેઓએ દેશના તમામ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે, મારું માનવું છે કે અનામત હોવી જોઈએ નહિ. વડાપ્રધાને SC, ST, અને OBC માટે અનેક નિર્ણય લીધાં છે. દુનિયાની કોઈ પણ તાકાત સંવિધાન કે આરક્ષણને હટાવી નહિ શકે.
અસારવાના પૂર્વ ધારાસભ્ય અને દલિત નેતા પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, દેશની સંસ્કૃતિની ખબર નથી એવા વ્યક્તિ સાંસદમાં નેતા બની ગયા છે. રાહુલ ગાંધીએ વિદેશ જઈ દેશની સંસ્કૃતિ એવાં SC, ST અને OBC જ્ઞાતિનો વિરોધ કર્યો છે. કોંગ્રેસનો ઇતિહાસ હમેશાં દલિતો અને બાબા સાહેબ આંબેડકરની વિરૂદ્ધ ગયો છે. જવાહરલાલ નહેરુએ બાબા સાહેબને કામ ના કરવા દીધું. 1952માં ચૂંટણી થઈ ત્યારે જનસંઘ દ્વારા બાબા સાહેબ ઉમેદવાર ના રાખ્યા પણ કોંગ્રેસે ઉમેદવાર રાખ્યા હતા. જવાહરલાલ, રાજીવ ગાંધી કે ઇન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીએ દલિતો અને બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે.
ગુજરાતમાં 6 લાખ સુધી દલિતો અને ઓબીસીને આવક મર્યાદા આપવામાં આવી છે. ગુજરાતની દલિત દીકરી એર ઇન્ડિયાનું વિમાન ઉડાવે છે જે ભાજપનાં કારણે છે. ગુજરાતમાં દલિતો અમારી સાથે છે. ભાજપે હમેંશા બાબા સાહેબ સન્માન કર્યું છે. દલિતોએ કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા પણ કોંગ્રેસે શું આપ્યું છે? કોંગ્રેસે દલિતોનો ઉપયોગ કરી બહાર ફેંકી દીધા છે.
પશ્ચિમ લોકસભા બેઠકનાં સાંસદ દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં રાહુલ ગાંધી આપેલા અનામત વિરોધી નિવેદન મુદ્દે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ભાવનગર ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં હાજર હતો જેના કારણે અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં હાજર નહોતા.
આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ, ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ હસમુખ પટેલ, રાજ્યસભાના સાંસદ નરહરિ અમિન, મહાનગરના મેયર પ્રતિભા જૈન, મહાનગરના તમામ ધારાસભ્યો, મહાનગરના સંગઠનના પદાધિકારીઓ તથા ખુબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.
તો બીજી તરફ રાહુલ ગાંધીના નિવેદનને લઇ અમદાવાદ બાદ રાજકોટમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટના જયુબેલી ચોક ખાતે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના સાંસદ, શહેર ભાજપ પ્રમુખ અને મેયર સહિતના એકત્ર થયા હતા અને રાહુલ હાય… હાય…ના નારા લગાવી રેલી કાઢી હતી. અને ત્રિકોણ બાગ ખાતે ધરણાં પ્રદર્શન કરાયું હતું. જેમાં કોંગ્રેસની અનામત વિરોધી નીતિની ટીકા કરતા પ્લે કાર્ડ બતાવવામાં આવ્યા હતા. જોકે, અહીં આશ્ચર્યજનક એ સામે આવ્યું હતું કે, ભાજપનાં કાર્યક્રમમાં કોંગ્રેસનું પંજાનું નિશાન અને એક માત્ર રાહુલનો ફોટો લગાવેલો હતો. જ્યારે PM-CMનો ફોટો કે ભાજપનું ચૂંટણી ચિન્હ ગાયબ હતું.