“હવે તો કાચા મકાનમાંથી પાકા મકાનમાં રહેવા લાગ્યા હશોને…!”
“હા સાહેબ”
“મકાન સહાયના પૂરા પૈસા મળી ગયા છે?”
“પૂરા પૈસા પણ મળી ગયા છે અને સરકારની સહાયથી અમે પાકું ઘર પણ બનાવી દીધું છે.”
“પરિવારજનો સાથે ત્યાં રહીને ખુશ છો ને!”
“એના માટે આપનો અને સરકારનો આભાર માનીએ એટલો ઓછો છે સાહેબ…”
આ વાર્તાલાપ છે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને ડૉ.આંબેડકર આવાસ યોજનાના લાભાર્થી ગંગા સ્વરૂપા ડાહીબેન સેનમા વચ્ચેનો.
પાટણ ખાતે યોજાયેલા પાણી પુરવઠા વિભાગના વિવિધ પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ રાજ્યના નાગરીકો પ્રત્યે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ ડાહીબેનને મળી તેમના ખબરઅંતર પૂછ્યા ત્યારે ત્રીસ વર્ષ અગાઉ પરિવારની છત એવા પતિ ગુમાવનાર ડાહીબેનની આંખોમાં હર્ષના આંસુ હતા.
ધરતીનો છેડો પામનારા ૭૦ વર્ષીય ડાહીબેન પાટણના સબોસણ ખાતે કાચા મકાનમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. ડ્રાયવર તરીકે નોકરી કરતા તેમના પુત્રને ડૉ.આંબેડકર આવાસ યોજના વિષેની જાણકારી મળતાં તેમણે મકાન સહાય મેળવવા અરજી કરી હતી. જે અંતર્ગત તેમને અલગ અલગ ત્રણ હપ્તામાં મકાન બાંધકામની સહાય પેટે રૂ.૧.૨૦ લાખ મળતાં તેમનું ઘરના ઘરનું સપનું સાકાર થયું છે.
આ અંગે વાત કરતાં ડાહીબેન સેનમા કહે છે કે, પરિવારના મોભી ગુમાવ્યા બાદ વર્ષો સુધી કાચા મકાનમાં રહ્યા પણ ઓછી આવકના કારણે પાકું મકાન બનાવી શક્યા નહોતા. સરકારે જેમ પરિવારની જવાબદારી લીધી હોય તેમ મકાન બનાવવા સહાય ચૂકવી તેનાથી હવે પાકુ ઘર બનાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાતને યાદ કરતાં ડાહીબેન કહે છે કે, મારા પરિવારને રહેવા પાકા મકાનની ચિંતા જ્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી કરતાં હોય ત્યારે મને વિશ્વાસ છે કે હવે કોઈ પરિવાર પોતાના ઘર વિનાનો નહીં રહે.
ડૉ.આંબેડકર આવાસ યોજના અંતર્ગત રૂ.૧,૨૦,૦૦૦ની મકાન સહાય ઉપરાંત ડાહીબેનને મહાત્મા ગાંધી નરેગા (MGNREGA) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે રૂ.૧૭,૯૧૦ની ગ્રાન્ટ પણ મળી છે.
ડૉ.આંબેડકર આવાસ યોજના
અનુસૂચિત જાતિ તથા ઘરવિહોણા, ખુલ્લો પ્લોટ ધરાવતા, રહેવાલાયક ના હોય તેવું કાચું ગાર- માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે રૂ.૧,૨૦,૦૦૦/-ના ત્રણ હપ્તા ચૂકવવામાં આવે છે. પ્રથમ હપ્તો રૂ. ૪૦,૦૦૦/- બીજો હપ્તો રૂ. ૬૦,૦૦૦/- અને ત્રીજો હપ્તો રૂ. ૨૦,૦૦૦/-ચૂકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦થી વધુ ન હોવી જોઇએ.