ધ નૅશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું કે ફ્લોરિડા, જ્યૉર્જિયા અને સાઉથ કૅરોલાઇનામાં 300 મિલીમીટરથી લઈને 460 મિલીમીટર વરસાદ પડ્યો હતો.
અમેરિકાના ફ્લોરિડા અને તેના કાંઠા વિસ્તારોમાં ગુરુવાર સાંજે હૅલેન હરિકેન (વાવાઝોડું)ના કારણે 225 (140 માઈલ પ્રતિકલાક) કિલોમીટરની ઝડપે ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો.
દક્ષિણ-પૂર્વ અમેરિકામાં હૅલેન વાવાઝોડાને કારણે ઓછામાં ઓછાં 43 લોકોનાં મોત થયાં છે અને લાખો લોકો વીજળી વગર રહેવા મજબૂર છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે પૂરનું પાણી લોકોનાં ઘરોમાં ઘૂસી ગયું હતું. પૂરનાં પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હોડી, હેલિકૉપ્ટરો અને મોટી ગાડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેનેસી હૉસ્પિટલની છત પર ફસાયેલા લગભગ 50 જેટલા લોકો જેમાં દર્દીઓ અને સ્ટાફનો સમાવેશ થાય છે તેમને રૅસ્ક્યૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ગુરુવારની રાતે આ વાવાઝોડું સમુદ્ર કિનારે ટકરાયાં બાદ તે ફ્લોરિડાના કિનારા પર ટકરાયું હતું હવે તે ઉત્તરમાં જ્યોર્જિયા અને કૅરોલિના તરફ આગળ વધ્યું છે.
વિમા કંપનીઓ દ્વારા કહેવાયું છે કે આ તોફાનને કારણે અબજો ડૉલર્સનું નુકસાન થયું છે.
ફ્લોરિડાના મિયામી, ટૅમ્પા, ટલાહસી, ચાર્લ્સટન, પનામા સિટી અને ઍટલાન્ટામાં વાવાઝોડાના કારણે વ્યાપક અસર થઈ હતી.
વાવાઝોડના કારણે દરિયામાં 15થી 20 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં, જેના કારણે કાંઠા વિસ્તારના ભાગો બેટમાં ફેરવાઈ ગયા હતા.
લોકોનાં ઘરો અને ઑફિસોમાં પાણી ભરાઈ જતાં નુકસાન થયું હતું. કેટલીક જગ્યાએ વીજળીની લાઇનોને નુકસાન થયું હતું, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
ઝડપી પવન ફૂંકાવાના કારણે ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયાં હતાં અને રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. ગુરુવારે બપોરે ભારે પવનના કારણે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ધૂળિયું બની ગયું હતું.
ફ્લોરિડા ડિવિઝન ઑફ ઇમરજન્સી મૅનેજમૅન્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેવિન ગુથરીએ જણાવ્યું કે ફ્લોરિડા અને આસપાસના વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયું છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે. તેમણે લોકોને વિનંતી કરી કે, કેટલાય રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને એટલા માટે કોઈ પણ ઘરની બહાર ન નીકળે. બહાર ડૂબી જવાની પણ શક્યતા છે.
ધ નૅશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું કે ફ્લોરિડા, જ્યૉર્જિયા અને સાઉથ કૅરોલાઇનામાં 300 મિલીમીટરથી લઈને 460 મિલીમીટર વરસાદ પડ્યો હતો.
ડી સેન્ટિસના અધિકારીએ જણાવ્યું કે, ”સવારે ખબર પડશે કે વાવાઝોડાના કારણે કેટલું નુકસાન થયું છે. સવારે જ્યારે ફ્લોરિડાના લોકો જાગશે ત્યારે તેમને દેખાશે કે આજુબાજુના વિસ્તારોમાં ઘણું બદલાઈ ગયું છે. કેટલાક લોકોના મૃત્યુના સમાચાર પણ મળશે. સંપત્તિને નુકસાન થવાના સમાચારો પણ સામે આવશે.”
ભારે વરસાદ અને ઝડપી પવનના કારણે ફ્લોરિડામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને જ્યૉર્જિયામાં બે લોકોનાં મોત થયાં છે.
ફ્લોરિડાના ટલાહસીમાં સરકારી શાળાને શૅલ્ટર હોમમાં ફેરવી દેવામાં આવી છે, જેમાં લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. કાંઠા વિસ્તારની નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વાવાઝોડું, વરસાદ અને પવનના કારણે 18 લાખ લોકો વીજળી અને પાણી વગર રહેવા મજબૂર બન્યા છે. જ્યૉર્જિયામાં 500 મિલીમીટર સુધી વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
લોકો માત્ર જરૂરિયાતની વસ્તુઓ લઈને ઘર છોડીને અન્યત્ર જવા માટે મજબૂર બન્યા છે.