મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદ જન્મજ્યંતિ રાષ્ટ્રીય યુવા દિવસે સ્પષ્ટ વિશ્વાસ વ્યકત કર્યો કે, આવનારા દિવસોમાં ભારત વિશ્વની મહાસત્તા હશે અને તેનું કેન્દ્રબિંદુ ગુજરાત બનશે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવામાં ગુજરાતનું યુવાધન સક્રિયતાથી યોગદાન આપશે એવો મને દ્રઢ વિશ્વાસ અને ભરોસો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉપલક્ષ્યમાં આયોજિત યુવાસંમેલનમાં પ્રેરણાદાયી સંબોધન કર્યુ હતું.
સમગ્ર રાજ્યના રપ૯ તાલુકા અને ૧પ૯ નગરપાલિકા ક્ષેત્રોમાં ૬૩ હજારથી વધુ યુવાઓ આ યુવા પરિષદમાં ઓનલાઇન સહભાગી થયા હતા.
ગાંધીનગરમાં વિધાનસભા પ્રાંગણમાં યોજિત આ સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, રમત-ગમત યુવા સાંસ્કૃતિક રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ તેમજ સ્વામી વિવેકાનંદ યુથ બોર્ડના શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિગર ઇનામદાર સહિત યુવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ૮ જેટલા યુવાઓની વિવિધ ક્ષેત્રની સિદ્ધિઓને બિરદાવતાં યુથ એવોર્ડ તેમજ ગાંધીનગર-કલોલ તાલુકાના સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોને પ્રતિક રૂપે રમત-ગમત સાધનોની કીટ અને પુસ્તક સેટ અર્પણ કર્યા હતા.
વિધાનસભાના પટાંગણમાં આ સંમેલન આયોજનને ઉપયુકત ગણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વિધાનસભાએ આપણા લોકતંત્રનું પ્રતીક છે. લોકતંત્ર રાષ્ટ્રભકિતથી જ મજબૂત થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વામી વિવેકાનંદના રસ્તે ચાલનારા લોકો માટે સત્તા કદી સુખનું કારણ ના હોય, સત્તા એક જવાબદારી છે, સેવા છે. સત્તાથી છેવાડાના મનુષ્યનો કલ્યાણ કરવાનું છે. આ સરકાર એ યુવાનોની સરકાર છે. યુવાનોને એમ્પાવર્ડ કરવામાં તેમને સશક્ત બનાવવા માટે કાર્યરત છે. અમે સ્કિલ ડેવલેપમેન્ટના પ્રોગ્રામ શરૂ કર્યા, એપ્રેન્ટિસશીપ યોજના લાવ્યા, યુવા સ્વાવલંબન યોજના શરૂ કરી, રાજ્યમાં રિસર્ચને પ્રોત્સાહન આપવા માટે શોઘ યોજના લાવ્યા. આ સરકારે છેલ્લા 4 વર્ષમાં લગભગ દોઢ લાખ યુવાનોને સરકારી નોકરી આપી છે, 5400 જેટલા ભરતીમેળા દ્વારા પ્રાઈવેટ સેક્ટરમાં 12 લાખ કરતા વધારે નોકરીઓ આપી, હજારો યુવાનોને વ્યવસાય કરવા માટે લોન આપીને તેમને જોબ સિકર નહિ પરંતુ જોબ ગિવર પણ બનાવ્યા. આઠ લાખ વિદ્યાર્થીઓને નમો ટેબ્લેટ આપ્યાં. એ જ નમો ટેબ્લેટ ઓનલાઈન શિક્ષણમાં તેમને મદદરૂપ થઈ રહ્યું છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.
શ્રી વિજયભાઇ રૂપાણીએ યુવાશક્તિને પ્રેરણા આપતા કહ્યું કે, આજે દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે. આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાત એ આપણા માટે કેવલ સ્વપ્ન કે કોઈ ઈચ્છા માત્ર નથી, આત્મનિર્ભર ગુજરાતએ આપણા માટે સંકલ્પ છે અને એ આપણે ચરિતાર્થ કરીને જ રહીંશુ. આત્મનિર્ભરતાનો મતલબ એ છે કે આપણી જરુરીયાતો માટે આપણે કોઈના પર નિર્ભર ના રહીએ. દેશના યુવાનો માટે તો આત્મનિર્ભરતા એક બહુ મોટો અવસર છે.
પોતાની શક્તિ, પોતાની આવડતથી ભારતને મહાસત્તા બનાવવાની દિશામાં યુવાનો બહુ મોટો ફાળો આપી શકે છે. ‘‘મને મારા દેશના અને મારા ગુજરાતના યુવાનોની શક્તિ પર પૂરો ભરોસો છે અને એ ભરોસાના આઘારે હું આજે કહું છું કે આવનારા સમયમાં ભારત જગદગુરૂ બનશે અને તેનું કેન્દ્રબિંદુ ગુજરાત હશે. હવે આવનાર ભવિષ્યમાં વિકસીત ભારતમાં તમે પોતાની જાતને ક્યાં જોવા માંગો છો? એના માટે તમારે આજથી જ એ દિશામાં કામ કરવું પડશે અને સંકલ્પબદ્ધ થવું પડશે’’ તેવું આહવાન મુખ્યમંત્રીશ્રીએ કર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે અત્યારે આપણા પડકારો આર્થિક છે અને તેને પહોંચી વળવા માટે આ દેશનું નેતૃત્વ અને દેશના યુવાનો તૈયાર છે. વડાપ્રધાનશ્રીનું પાંચ ટ્રિલિયન ઈકોનોમીનું સપનું પુરૂ કરવા માટે આપણા દેશનો યુવાન સક્ષમ છે.
એ દિવસો ગયા જ્યારે ભારત માટે જાન આપવાની જરૂર હતી. ત્યારે ડાઈ ફોર ધ નેશન હતું આજે લીવ ફોર ધ નેશન છે. તમે જે પણ કામ કરો ત્યારે વિચારજો કે આનાથી મારા દેશને શું લાભ થશે. નેશન ફર્સ્ટના સિધ્ધાંતને તમારા રગ-રગમાં અને કણ-કણમાં વસાવી લો. જો આ ભાવનાથી આગળ વધશો તો ભારત ચોક્કસ જગદગુરૂ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ યુવા એટલે કોણ? તેની વ્યાખ્યા સ્પષ્ટ કરતાં જોશીલા વ્યકતવ્યમાં કહ્યું કે જે ઊર્જાથી સતત ભરેલો હોય. જે નવું વિચારી શકે, જે નવું સ્વીકારી શકે, જે નવું સાહસ કરી શકે, જે નવું સર્જન કરી શકે તે યુવાન છે. મોટી ઉંમરના લોકો કહેતા હોય છે કે અમારા સમયમાં આવું હતું અમારા સમયમાં તેવું હતું. જ્યારે યુવાનો કહે છે કે ‘અપના ટાઇમ આયેગા’ એ હંમેશા આવનાર ભવિષ્યમાં નવી નવી સંભાવના શોધે છે. નવા સમય અને નવી તકોની રાહ જોવે છે. અને વાસ્તવમાં દેશના યુવાનોનો સમય હવે આવી જ ગયો છે.
ભારત યુવાનોનો દેશ છે તેની વિભાવના સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આપણો યુવા ઇનોવેશનમાં આગળ વધી રહ્યો છે. આજે સમગ્ર ભારતમાં સ્ટાર્ટઅપમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ગ્રામિણ ક્ષેત્ર હોય, કે એગ્રીકલ્ચર ક્ષેત્ર હોય સ્ટાર્ટ-અપની અપાર સંભાવનાઓ રહેલી છે. નવા ઈનોવેશન સાથે, નવી ટેક્નોલોજીના ઉપયોગથી ગરીબી નિવારણમાં, ખેતીમાં, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રહેલા પડકારોને પહોંચી વળવા માટે તમે સૌ મહત્વનું યોગદાન આપી શકો છો.
નયા ભારતનું નિર્માણ કરવું હશે તો ‘વ્યસનમુક્ત યુવા, વ્યસનમુક્ત ગુજરાત’ સંકલ્પને સિધ્ધ કરવો પડશે, તેમ જણાવતાં યુવાનો વ્યસનથી દુર રહે તે માટે અભિયાન ચલાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ અપિલ કરી હતી. વિવેકાનંદ યુવા બોર્ડના બધા જ આગેવાનો વ્યસનમુક્તિના અભિયાનની રૂપરેખા તૈયાર કરે અને સંપૂર્ણ શક્તિથી ‘વ્યસનમુક્ત યુવા, વ્યસનમુક્ત ગુજરાત’ના અભિયાનને આગળ ધપાવે. આ કાર્યક્રમાં ગુજરાતના ખુણે-ખુણેથી ઉપસ્થિત ધર્મગુરૂઓ પણ મુખ્યમંત્રીશ્રીએ નમ્ર વિનંતી કરી હતી કે આ વ્યસનમુકિત અભિયાનમાં પોતાનો સાથ, સથવારો અને આશીર્વાદ આપે.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે યુવાશક્તિને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે જ્ઞાન, સમર્પણ અને સેવાના પર્યાય એટલે પ્રખર દેશભક્ત સ્વામી વિવેકાનંદ. ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં સ્વામી વિવેકાનંદનું અતુલ્ય યોગદાન રહેલું છે.
શ્રી પટેલે ઉમેર્યું હતું કે, સ્વામી વિવેકાનંદના મતે યુવાઓનું સાચું ઘડતર રમતના મેદાનમાં જ થાય છે. સ્વામી વિવેકાનંદની આ વાતને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ વાળી રાજ્ય સરકાર રાજ્યના યુવાઓ માટે રમત-ગમત ક્ષેત્રે અનેક યોજનાઓ ઘડી અમલી બનાવી ખરા અર્થમાં યુવા વિકાસ સાધી રહી છે. રાજ્ય સરકારના રમતગમત ક્ષેત્રના અથાગ પ્રયત્નોને લીધે જ આજે ગુજરાતના યુવા ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત કરી છે.
વિવિધ ક્ષેત્રમાં અનોખી સેવા પ્રદાન કરનાર યુવાઓને મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે યુથ એવોર્ડ એનાયત કરી યુવા શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું. કલ્પેશ આહુજાને સેવા ક્ષેત્રે, કુ. વિધિ જાદવને શહીદોના કુટુંબોને મદદ અને આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક પ્રવૃત્તિ નિમિત્તે, વિવેક શાહ અને બિન્દ્રા શાહને ઓર્ગેનિક ફાર્મિંગ, ધાર્મિક ભટ્ટ પર્યાવરણીય પ્રવૃત્તિ નિમિત્તે, અર્પિતા બેન વ્યાસ ને મહિલા સશક્તિકરણ માટે, ડો. સોનલ રોચાણીને સામાજિક સેવા ક્ષેત્રે, અભિજીત સતાણી ને વિજ્ઞાન ક્ષેત્રે અને નીતુબેન પટેલને ઓર્ગેનિક ફાર્મિંગ માટે વિશિષ્ટ યુથ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ યુગપુરુષ યુવા સંવાદ કાર્યક્રમમાં સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, નહેરુ યુવા કેન્દ્ર ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના સભ્યો અને બહોળી સંખ્યામાં યુવા ઉપસ્થિત રહ્યા હતા.