કપડવંજમાં બે હોમગાર્ડ કર્મચારીઓ ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે. હોમગાર્ડ સભ્યોને ફરજ સોંપવાની કામગીરી કરતા આ બંને પોલીસ કર્મીઓએ હોમગાર્ડ સભ્ય પાસે ૨૦૦૦ની લાંચની માંગણી કર્યા બાદ ૧૫૦૦માં વ્યવહાર નક્કી થયો હતો. બાદમાં એસીબીએ છટકું ગોઠવી બંનેને પકડી લઈ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
કપડવંજ યુનિટમાં હોમગાર્ડ પ્લાન્ટુન સર્જન તથા ઇન્ચાર્જ ઓફિસર તરીકે મનીષકુમાર જયંતીભાઈ ઝાલા ફરજ બજાવે છે તેમજ હોમગાર્ડ પ્લાન્ટુન ચાર્જર તરીકે નરેન્દ્રકુમાર રવજીભાઈ ઝાલા ફરજ બજાવે છે.
નરેન્દ્ર ઝાલા હાલ યોગીનગર સોસાયટી ડાકોર રોડ કપડવંજ ખાતે રહે છે. આ બંને કર્મીઓ કપડવંજ યુનિટ હોમગાર્ડ કચેરી ખાતે હોમગાર્ડ સભ્યોની નોકરીનું ફાળવણીનું કામ કરે છે. જેમાં એક હોમગાર્ડ સભ્યોને નિયમિત રીતે હોમગાર્ડની ફરજો સોંપવા માટે એક મહિનાના ૫૦૦ રૂપિયા લેખે છેલ્લા ચાર મહિનાના ૨,૦૦૦ રૂપિયાની લાંચની માગણી આ બંને કર્મીઓએ કરી હતી. હોમગાર્ડ સભ્ય આ કર્મચારીઓને વિનંતી કરતા અંતે ૧૫૦૦ રૂપિયાની ડીલ નક્કી થઈ હતી.
જોકે હોમગાર્ડ સભ્ય રૂપિયા આપવા માંગતા ન હતા. જેથી તેમણે ખેડા એસીબીનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. બાદ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવી આરોપી નરેન્દ્રકુમાર ઝાલાને લાંચની હેતુલક્ષી વાતચીત કરતા અને ૧૫૦૦ રૂપિયા લાંચ ડાકોર રોડ ખાતે યોગીનગર સોસાયટીમાં તેમના રહેઠાણ પર જ સ્વીકારતા ઝડપી પાડયો છે. જ્યારે મનીષકુમાર ઝાલાને ફરિયાદી સાથે ટેલિફોનિક હેતુલક્ષી વાતચીત કરી મદદગારી કરવામાં અટકાયત કરી લીધી છે. હાલ બંને સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.