જામનગર તા. ૧૩ જાન્યુઆરી, જામનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે જામનગરની વિકાસયાત્રાને વેગ આપવામાં આવશે.તા. ૧૫ જાન્યુઆરીના રોજ ધનવંતરી ઓડીટોરિયમ ખાતેથી આશરે ૫૭૭ કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થકી મુખ્યમંત્રીશ્રીના હસ્તે જામનગરને વિવિધ વિકાસ કાર્યોની ભેટ પ્રાપ્ત થશે.
આ વિકાસકાર્યો અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના અક્ષયપાત્ર સેન્ટ્રલાઇઝડ કિચન, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અનેક આંતરમાળખાકીય સુવિધાઓના કામો, નંદઘર (આંગણવાડી કેન્દ્ર), ફિલ્ટર પ્લાન્ટ તથા ઈ.એસ.આર પરની પંપીંગ મશીનરી દ્વારા તેની ક્ષમતામાં વધારો અને ઇલેક્ટ્રોનિક પેનલના વિવિધ કામોના કુલ ૧૫૦ કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવશે તેમજ ફ્લાયઓવર બ્રિજ, કેનાલ, સિવેજ વોટર ડ્રેનેજ હાર્વેસ્ટિંગનું કામ વગેરે જેવા ૨૪૨ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
તો જેટકો દ્વારા પૂરતો વીજળી પુરવઠો પહોંચાડવા માટે ઢીંચડા, ચેલા અને ધુતારપર ખાતેના ૨૨ કરોડથી વધુના ૬૬ કે.વી. સબસ્ટેશનોનું લોકાર્પણ કરવામાં આવશે તેમજ અન્ય ૩ કામોનું ખાતમુહૂર્ત કરાશે. આ ઉપરાંત રિસાયક્લ વોટર ટ્રીટમેંટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૨૧ કરોડથી વધુના ખર્ચે ખાવડી પાસે તૈયાર થનાર પ્લાન્ટ તેમજ જામનગર જિલ્લાના લોકોને પરિવહનની સુવિધા માટે રૂ.૨૪ કરોડના ૨૦ જેટલા માર્ગોના ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે.
આમ, જામનગર ખાતે ૧૭૩ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ૪૦૫ કરોડના લોકાર્પણના ખાતમુહુર્ત કરવામાં આવશે.