‘હવેલી લેતા ગુજરાત ખોયું’ કહેવતને સાર્થક કરતો પરંતુ ચકરાવે ચઢી જવાય તેવો બનાવ સામે આવ્યો છે જેમાં પુત્રીને મારી નાખવા માટે માતાએ તેની હત્યાની સોપારી આપીને ભાડૂતી મારો રોક્યો પરંતુ વિધિની વક્રતા જુઓ કે તે હત્યારાને હાથે જ માતાને મરવાનો દાડો આવ્યો. યુપીના ઈટામાં બનેલી આ ચોંકાવનારી ઘટનામાં પુત્રીની લવઅફેરથી તંગ આવેલી માતાએ તેની હત્યા કરવા માટે એક ભાડૂતી મારો રોક્યો હતો પરંતુ છેલ્લી ઘડીએ બાજી બદલાઈ ગઈ અને હત્યારાએ માતાની હત્યા કરી નાખી હતી.
પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ 42 વર્ષીય અલ્કા દેવીએ તેની પુત્રીને મારવા માટે એક હિટમેનને ભાડે રાખ્યો હતો પરંતુ તેના દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. આ ભાડૂતી હત્યારો પુત્રીના પ્રેમમાં પડ્યો અને પુત્રીએ પણ લાગ શોધી લીધો અને લગ્ન કરવાની હા તો પાડી દીધી પરંતુ બદલામાં માતાની હત્યા કરાવી નાખી હતી અને લાશ બાજરીના ખેતરમાં ફેંકી દીધી હતી. 6 ઓક્ટોબરે તેની લાશ મળી આવી હતી. 5 ઓક્ટોબરના રોજ અલકા દેવી ઈટાહ ગઈ હતી પરંતુ મોડી સાંજ સુધી તે પરત ન આવતાં તેના પતિ રમાકાંતે તેના મોબાઈલ પર ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બંધ હતો ત્યાર બાદ રમાકાંતે પત્ની અલકાની ઘણી શોધ કરી પરંતુ ક્યાંય ન મળી આખરે સાંજે પોલીસનો ફોન આવ્યો કે એક લાશ મળી છે જેની ઓળખ કરવાની છે અને તરત રમાકાંતે અલકાની લાશ ઓળખી કાઢી હતી. ઓળખ બાદ, અલકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને વિધુર રમાકાંતે તેના ગામના જસરથપુર પોલીસ સ્ટેશનમાં બે પુરુષો – અખિલેશ અને અનિકેત વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.
બંને પર અલકાની પુત્રીને લલચાવીને તેનું અપહરણ કરવાનો પણ આરોપ છે. અખિલેશને નયા ગાંવ પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જ્યારે સગીર છોકરીને સુરક્ષિત રીતે બચાવીને તેના પરિવારને મોકલી દેવામાં આવી હતી. અલકા દેવી કદાચ આ ઘટનાથી ડરી ગઈ હતી, તેણે તેની પુત્રીને ફર્રુખાબાદ જિલ્લાના સિકંદરપુર ખાસ ગામમાં પિયરમાં મોકલી દીધી હતી અને અહીં તેને 38 વર્ષીય સુભાષ સાથે સંબંધ બંધાયો હતો. સુભાષ એક ખૂંખાર ગુનેગાર હતો 10 વર્ષ જેલમાં પણ રહી આવ્યો હતો. સુભાષે તેને વાત કરવા માટે મોબાઈલ ફોન આપ્યો.
અલકા દીકરીના પ્રેમસંબંધથી કંટાળી અને નારાજ હતી. ત્યારે તેણે તેની હત્યા કરવાનું નક્કી કર્યું. તેણીએ સુભાષને હત્યાને અંજામ આપવા માટે ₹ 50,000ની ઓફર કરી હતી પરંતુ અલકા દેવીની ખબર નહોતી કે આ જ સુભાષ સાથે પુત્રીનું અફેર ચાલી રહ્યું છે.