નવરાત્રિના આખરી દિવસે સુરતમાં યોજાયેલા એક ગરબા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, તમામ બહેનોને મારી વિનંતી છે કે, તમે તમારી માતાનો વિશ્વાસ ન તોડશો. તમે નિયમમાં રહીને ચાલો તેવી તમારા ભાઇ તરીકે હું તમને પ્રાર્થના કરું છું. સંઘવીએ લોકોને સંબોધતાં કહ્યું કે, આપણે સહુ સલામત રીતે ગરબા રમી શકીએ તે માટે પોલીસના ભાઇ-બહેનોએ પોતાના પરિવારની ખુશીનું પણ બલિદાન આપ્યું છે.
મંત્રીએ જણાવ્યું કે, આપણે મોડી રાત સુધી કે સવારો સવાર ગરબે ઘૂમ્યાં. નવ દિવસ સુધી માતાજીની આરાધના કરી પણ તેની સાથે મારે દરેક બહેનોને કહેવું છે કે, તમારી જે મા તમારા ઘરે રાહ જુએ છે, તેનો વિશ્વાસ કાયમ રાખજો, નિયમ પાળજો, એક ભાઇ તરીકે તમને વિનંતી છે. આટલાં દિવસ દરમિયાન સહુને મજા પડી છે. લોકોએ આ નવરાત્રિએ જ નાના ફેરિયા-વેપારીઓને દિવાળી જેવી કમાણી કરાવી આપી.
આ જ રીતે આપણાં તહેવારો વટથી મનાવીશું, અનેક લોકો બાર વાગ્યા પછી ગરબે નહીં રમવા દઇએ તેવું કહેતા હતા, પરંતુ મેં તમને વચન આપ્યું હતું તે પાળ્યું, તો હવે આનંદ કરો. ગરબા રમીને ત્રણ ચાર કે પાંચ વાગ્યે ઘરે પરત ફરો તો, રોડ પર પોલીસ નજરે પડતી હતી. સુરક્ષાની સાથે ટ્રાફિકની વ્યવસ્થા તેમણે કરી. પોલીસ પરિવાર સાથે નથી રહી, તમને ગરબા રમાડ્યાં છે. મારી સહુને વિનંતી છે કે, તમે આ માટે તેમનો આભાર માનો.
સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે પહેલેથી જ લોકો સલામત રીતે અને આનંદથી નવરાત્રિનો ઉત્સવ માણી શકે તે માટે નિયમો પણ બનાવ્યા હતા. આ સિવાય તહેવાર સમયે નાના વેપારીઓ અને ફેરિયાઓ આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે કેટલાંક નિયમોને હળવા પણ કર્યા હતા. ગુજરાતના લોકોએ નિયમોનું યોગ્ય પાલન કરીને તેમાં સહયોગ આપ્યો છે.
#ગૃહમંત્રી_રાજીનામું_આપે ગુજરાતમાં ટ્રેન્ડિંગ બન્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટે સમગ્ર ગુજરાતમાં દશેરાના દિવસે સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી_રાજીનામું_આપે હેશટેગ સાથે પોસ્ટ મૂકી હતી. એક જ દિવસમાં ગુજરાતમાં તે સૌથી વધુ 22 હજાર પોસ્ટ સાથે ટ્રેન્ડિંગ બન્યું હતું. રાજ્યમાં તે પ્રથમ ક્રમે ટ્રેન્ડ તરીકે ઊભરી આવ્યું. આ અંગે શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.