ઓબીસી અનામતની ટકાવારી કેટલી રાખવી તે મામલે કાનૂની વિવાદમાં લાંબો સમય સુધી ગ્રામ પંચાયતોની ચૂંટણી ગુજરાતમાં અટકી પડી છે. દોઢેક વર્ષ પછી હવે આગામી ડિસેમ્બર માસમાં ચૂંટણી યોજાઈ તેવી શકયતા હોવાનું ગાંધીનગરના ટોચના આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.કેન્દ્રીય ચૂંટણી પંચે ગઈકાલે મહારાષ્ટ્ર્રમાં ૨૦ નવેમ્બર અને ઝારખંડમાં ૧૩ તથા ૨૦ નવેમ્બરે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરી છે.
૨૦ નવેમ્બરની મહારાષ્ટ્ર્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓ પૂરી થયા પછી તુરત જ રાજય ચૂંટણી પચં ગુજરાતમાં તારીખ ૨૨ નવેમ્બર આસપાસ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરે તેવી પ્રબળ સંભાવના હોવાનું જાણવા મળે છે.
ગાંધીનગરના ટોચના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ૨૨ નવેમ્બરે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગુ પડી જશે. ચૂંટણી ૧૯ ડિસેમ્બરના યોજાય તેવી શકયતા છે. સૌરાષ્ટ્ર્રની ૩૨,ઉત્તર ગુજરાતની ૧૬,મધ્ય ગુજરાતની૧૦ અને દક્ષિણ ગુજરાતની પાંચ મળીને કુલ ૭૨ નગરપાલિકા, બે જિલ્લા પંચાયત, ૧૭ તાલુકા પંચાયત અને ૫૩૧૯ ગ્રામ પંચાયતોમાં યોજાનારી આ ચૂંટણીને રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણી સમાન ગણાવી રહ્યા છે અને તેથી આ ચૂંટણીની તૈયારી છેલ્લા કેટલાક સમયથી ભાજપ અને કોંગ્રેસ દ્રારા ચાલી રહી છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી પક્ષના પ્રતીક પર લડવામાં આવતી નથી પરંતુ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓમાં પક્ષના પ્રતીક પર ચૂંટણી લડવામાં આવતી હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાનું સમગ્ર ફોકસ અત્યારે નગરપાલિકાઓની ચૂંટણી પર કેન્દ્રિત કયુ છે. દરેક નગરપાલિકા દીઠ નિરીક્ષકો અને પ્રભારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે. આવી જ રીતે ભાજપે પણ પક્ષના પ્રદેશ પ્રમુખ પાટીલની મુદતમાં ડિસેમ્બર સુધીનો વધારો કર્યેા છે.
આગામી તારીખ ૨૫ ના રોજ ભાજપમાં સક્રિય સભ્ય નોંધણી ઝુંબેશ પૂરી થવાની છે અને તે સાથે જ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યકરોને ચૂંટણી પ્રચારમાં કામે લાગી જવા કહેવાશે. દિવાળીના તહેવારો ગ્રામ્ય વિસ્તારમાં રાજકીય રંગે રંગાશે અને સ્નેહ મિલન સહિતના કાર્યક્રમમાં દ્રારા પ્રચારનું આયોજન બંને રાજકીય પક્ષો દ્રારા અત્યારથી જ ગોઠવાઈ રહ્યું છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા વિધાનસભાની વાવ બેઠકની પેટા ચૂંટણી પણ યોજાવવાની છે. ૧૩ નવેમ્બરે યોજનારી આ ચૂંટણી માટે પણ બંને રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખવા માટે અને ભાજપ આ બેઠકમાં ગાબડું પાડવા માટે અત્યારથી દોડધામમાં લાગી ગયા છે