GJ-18 સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ દ્વારા આપેલ માહિતીમાં શહેરના વ્યાપક ઊભા થઈ ગયેલા દબાણો દૂર કરવા હવે મનપાની દબાણ શાખા નો ઝંબોજેટ ભરતી કરવાનું છે, ત્યારે એસ્ટેટ શાખામાં સ્ટ્રેન્થમાં ધરખમ વધારો કરવામાં આવનાર છે. એસ્ટેટ શાખામાં હાલની મંજૂર થયેલી જગ્યા સામે 5 ગણો વધારાનો સ્ટાફ લેવાશે. આ માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એસ્ટેટ શાખાનું નવું વધારાનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. હાલ એસ્ટેટ શાખામાં કુલ 33 અધિકારી- કર્મચારીઓનો સ્ટાફ છે. જે વધારીને 163 કરાશે. નવી 130 જગ્યાઓ ઉભી કરવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી છે.
ગાંધીનગર મનપામાં જાહેર સ્થળો અને માર્ગો પરના દબાણ હટાવવાની મુખ્ય કામગીરી એસ્ટેટ શાખા દ્વારા કરવામાં આવે છે. પાટનગર હોવાથી અહીં અવાર નવાર વીવીઆઇપી મૂવમેન્ટ રહે છે. મહાત્મા મંદિરમાં ઇન્ટરનેશનલ કક્ષાની ઇવેન્ટ યોજાય છે. આ તમામ ઇવેન્ટ તેમજ સામાન્ય સ્થિતિમાં પણ જાહેર સ્થળોએ દબાણો દૂર કરવા તેમજ ફરી દબાણો ન થાય તે માટે વોચ રાખવાથી લઇને પેટ્રોલીંગ કરવા સુધીની કામગીરી કરવાની થાય છે. શહેરમાં માર્ગો પરના સર્કલો, ખુલ્લા પ્લોટ અને અન્ય સરકારી જમીનો પર ઉભા થઇ ગયેલા દબાણો હટાવવા માટે વારંવાર ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. હાલમાં એસ્ટેટ શાખા હસ્તક પુરતો સ્ટાફ ઉપલબ્ધ નહીં હોવાથી અસરકારક કામગીરી થઇ શકતી નથી. જેના પગલે આગામી 10 વર્ષના ભવિષ્યને ધ્યાનમાં રાખીને એસ્ટેટ શાખાની અસરકારક કામગીરી થઇ શકે તે માટે નવું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
નવા માળખા પ્રમાણે 2 એસ્ટેટ ઓફિસર, 4 એસ્ટેટ ઇન્સ્પેક્ટર, 12 એસ્ટેટ સબ ઇન્સ્પેક્ટર, 4 સર્વેયર, 3 સુપરવાઇઝર, 2 કચેરી અધિક્ષક, 2 હેડ ક્લાર્ક, 4 સિનિયર ક્લાર્ક, 6 ક્લાર્ક, 120 હેલ્પર- લેબર, 4 પટાવાળા સહિત કુલ 133 જગ્યાઓ રહેશે. હાલ એક વહીવટી અધિકારી (એસ્ટેટ)ની જગ્યા છે, જે નવા માળખામાં રદ કરાઈ છે. ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એસ્ટેટ શાખાના નવા માળખાને મંજૂરી આપી દેવાઈ છે. 130 જેટલી નવી જગ્યાઓ ઊભી કરવાની થતી હોવાથી આ માટે રાજ્ય સરકારની મંજૂરી મેળવવા માટે મનપા દ્વારા દરખાસ્ત કરવામાં આવશે.