વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ગરમાવો આવ્યો છો. ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપતાં માવજી પટેલ નારાજ થયા છે. અને તેમના સમર્થકોને સાથે રાખી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા માવજી પટેલએ જણાવ્યું કે, મેં ભારતીય જનતા પાર્ટીના આદેશથી ભાજપનું ફોર્મ ભર્યું છે. અને સાથે બીજુ ફોર્મ પ્રજાની લાગણીથી અપક્ષમાં પણ ભર્યું છે. જો મને પાર્ટી મેન્ડેટ આપશે તો ભાજપમાંથી ઉમેદવાર છું. નહીં આપે તો જનતાનો આદશે લઈને જનતાની પાર્ટીના જોગે ચૂંટણી લડશું ઉમેદવાર તરીકે.
ભારતીય જનતા પાર્ટીના નેતા માવજી પટેલ અગાઉ થરાદના ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસથી નારાજ રહેતા અને પક્ષ દ્વારા તેમની અવગણના થતાં તેઓ વર્ષ 2019માં ભાજપમાં જોડાયા હતા. માવજી પટેલનું સમાજ પર સારું એવું પ્રભુત્વ છે. સાત મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન પણ તેઓ રહી ચુક્યા છે.
ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપેલ સ્વરૂપજી ઠાકોર 2022માં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડ્યાં હતાં અને 15,601 મતથી હારી ગયા હતા. ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમને 48,634 મત મળ્યા હતા.
ગુલાબસિંહ રાજપૂત 2019માં થરાદ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી શંકર ચૌધરી સામે તેમની હાર થઇ હતી. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત પાછળ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.