ટ્રાફિક નિયમના ભંગના કિસ્સામાં રાજ્ય સરકારે જાહેર કરેલા નવા દંડની રકમ સાથે 16મી સપ્ટેમ્બરને સોમવારે સવારથી જ સચિવાલય સંકુલના તમામ દરવાજે અને તેની આસપાસના માર્ગો પર સ્પેશિયલ ડ્રાઈવ થશે. આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્તપણે થનારા વાહન ચેકિંગને કારણે સરકારી કર્મચારી-અધિકારીઓમાં દોડધામ મચી છે. સચિવાલય સંકુલના પાર્કિંગ એરિયામાં બુધવારે મોટાપાયે મોટરકાર પરથી બ્લેક ફિલ્મો હટાવી લેવામાં આવી હતી. વિભાગો અને કમિશનરેટ કચેરીઓમાં કાર્યરત કર્મચારી- અધિકારીઓને નવા દરોના અમલ પહેલા જ પોતાના લાયસન્સ, વાહન અને તેના વીમાના દસ્તાવેજ સહિત પ્રદુષણ રહિતના પ્રમાણપત્રો સાથે તૈયાર રહેવા કહેવામાં આવ્યુ છે.
વાહન વ્યવહાર વિભાગમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ટ્રાફિક નિયમ ભંગના કિસ્સામાં સુધારેલા દંડના અમલના આરંભે જૂના- નવા સચિવાલય, ઉદ્યોગ ભવન, કર્મયોગી ભવન, પોલીસ ભવન એમ તમામ સરકારી સંકુલોમાં પ્રવેશતા કર્મચારી, નાગરીકોના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. સચિવાલય સ્થિત સિક્યુરીટી ઓપરેશન સેન્ટરના અધિકારીએ કહ્યુ હતુ કે, સંકુલમાં પહેલાથી જ સીસીટીવી નેટવર્ક છે. ટ્રાફિકના નિયમોના અમલ અને સરકારી કર્મચારીઓની શિસ્તતા માટે આ નેટવર્કનો પણ મહત્તમ ઉપયોગ થશે. દંડના નવા દરોના અમલ પહેલા આ નેટવર્કને આધારે તાકીદના ભાગરૂપે સુચના આપતા કર્મચારીઓએ પોતાના વાહનો ઉપરથી બ્લેક ફિલ્મ હટાવી છે.