મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે ગુજરાતના જુદા-જુદા શહેરોમાં 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. 2019માં જ વિજય રૂપાણી દ્વારા 82 નગર રચના સ્કિમોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં 72 ટીપી અને 10 ડીપી યોજનાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં મુખ્યમંત્રીએ 100 ટીપી સ્કીમને મંજુરી આપી હતી. સીએમ રૂપાણીએ અમદાવાદની 01 ડ્રાફ્ટ તથા 01 પ્રિલિમનરી યોજના, સુરતની 02 પ્રિલિમનરી, રાજકોટની 01 વેરીડ પ્રિલિમનરી, વડોદરાની 01 ફાયનલ વેરીડ TP ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુરી આપી છે. અમદાવાદની ડ્રાફ્ટ TP સ્કીમ નં. 440 (ચેખલા-ગોધાવી-ગરોડીયા-વાંસજડા-ઢેડીયા-ઉનાલી)ની ૩૩૦ હેકટરની બાહ્ય વિસ્તારની ટીપી સ્કીમને મંજુરી મળતાં રૂ.350 કરોડનાં કામોને વેગ મળશે. પ્રિલિમનરી TP સ્કીમને પરવાનગી મળતાં રાજ્યમાં આશરે ૩૨૫ હેકટર જમીન પર રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાના વિકાસ કાર્યો હાથ ધરાશે.
અમદાવાદની TP સ્કીમ નં. 82 (લાંભા-લક્ષ્મીપુરા-2), સુરતની TP નં. 30 (વણખલા-ઓખા-વિહોલ) અને TP સ્કીમ નં. 43 (જહાંગીરાબાદ) તેમજ રાજકોટની TP સ્કીમ નં. 6 (પ્રથમ વેરીડ)ને મંજૂરી અપાઈ છે. વડોદરાની એક ફાયનલ વેરીડ TP નં. 2 (સેવાસી) મંજૂર કરાઈ છે. સુરતની બે પ્રારંભિક TP સ્કીમ મંજૂર થવાથી સુરત શહેરને આશરે 1,99,587 ચો.મી. જમીન વેચાણના હેતુ માટે, જ્યારે 1,19,862 ચો.મી. જમીન SEWSH માટે ઉપલબ્ધ બનશે. આ સાથે સુરતમાં 1,56,867 ચો.મી. જમીન જાહેર સુવિધા માટે અને 52,714 ચો.મી. જમીન બાગ-બગીચા, ખુલ્લી જગ્યા માટે ઉપલબ્ધ બનશે. અમદાવાદ શહેરમાં લાંભા-લક્ષ્મીપુરા વિસ્તારમાં 32,374 ચો.મી. જાહેર હેતુ, 48,547 ચો.મી. જમીન બાગ-બગીચા તેમજ વેચાણના હેતુ માટે 70,547 ચો.મી. અને SEWSH માટે 40,264 ચો.મી. જમીન પ્રાપ્ત થશે.