સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું, આરટીઆઈ દ્વારા ખંડણી વસૂલવા નવો કિમીઓ
સુરત
દેશમાં સરકારે જે આરટીઆઈ માહિતીનો કાયદો લાવ્યા છે, તે ખરેખર સરાહનીય છે, પણ હવે આરટીઆઇની માહિતી માંગીને તોડ પાણી કરતા તત્વો પણ વધી ગયા છે આવી અનેક ફરિયાદો સરકારમાં મળી છે, આરટીઆઇ ની માહિતીની શી જરૂર છે? તેના કરતાં બધી જ માહિતી ભેગી કરીને તોડ પાણી કરતાં તત્વો સામે હવે સરકાર અને તંત્ર તથા પોલીસ પણ કડક બની છે, ત્યારે આરટીઆઈમાં અરજી કરીને લોકોની પાસે ખંડણી માગતા બે ખંડણીખોર એક્ટિવિસ્ટની સુરત પોલીસે જાહેરમાં પરેડ કરાવી હતી. લોકોને પરેશાન કરતા આ માથાભારે અસામાજિક તત્વોને પાઠ ભણાવવા જાહેરમાં સરઘસ કાઢીને લોકો વચ્ચે ખુલ્લા પાડ્યા હતા. RTI કરી લોકો પાસે ખંડણી માગનારા સામે શહેરની લાલગેટ પોલીસે કાર્યવાહી કરી છે. આરટીઆઈના બહાને લોકોનો તોડ કરતા જુનેદ અન્સારી ઉર્ફે રેહાન અને આમિર અન્સારી ઉર્ફે કાલિયાની સામે બાંધકામ અંગે સુરત પાલિકામાં આરટીઆઈ દ્વારા વિગત માંગીને ૧૫ લાખ રૂપિયાની ખંડણી માગવાની ફરિયાદ લાલગેટ પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી.
પાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આ પ્રકારે આરટીઆઈ એક્ટિવિસ્ટના નામે લોકોને રંજાડતા આ બંને ખંડણીખોર આરટીઆઈ એક્ટિવિસ્ટનો લાલગેટ પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. ડીસીપી અને સ્થાનિક પીઆઈએ લાલગેટ વિસ્તારમાં આરોપીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રકરણમાં બે આરોપી જુનેદ અન્સારી ઉર્ફે રેહાન અને આમિર અન્સારી ઉર્ફે કાલિયાની ધરપકડ કરવામાં આવી હતી. બંનેના ઘરે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. ડીસીપી પિનાકીન પરમારે કહ્યું કે, આરોપીઓને તેના ઘરે લાવીને પંચનામાં કર્યા હતા. લોકો ભયભીત ન થાય આ માટે અમે અપીલ પણ કરી રહ્યા છીએ. જાે આવા પ્રકારની કોઈપણ ફરિયાદ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે અને કોઈપણ ધમકી કે ખંડણી માગે તો તેને રૂપિયા આપવાની જગ્યાએ પોલીસનો સંપર્ક કરે. આ માટે આજે આરોપીઓને લઈને તેમના વિસ્તારમાં અમે આવ્યા હતા.બાંધકામના મુદ્દે આરટીઆઈ કરીને ખંડણી માગવાના ગુનામાં સંડોવાયેલા બંને આરોપીની લાલગેટ પોલીસે ધરપકડ કરી આ જ વિસ્તારમાં ફેરવી તેના ઘર સુધી લઈ ગઈ હતી. તેમના ઘરમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી ત્યાંથી વધુ અરજી પણ મેળવી હતી. તેવું પોલીસનું કહેવું છે.