વેજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ પ્રજ્ઞેશકુમાર વ્યાસ રૂ. 80 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ અગાઉ ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી. આરોપી પીએસઆઈએ ખંડણીના ગુનામાં આરોપીની ધરપકડ કરીને માર ન મારવા, ગાળો ન બોલવા અને રિમાન્ડ ન માગવા બદલ રૂ. 1 લાખની લાંચ માગી હતી. તે પૈકી રૂ.80 હજાર સ્વીકારવા જતા પીએસઆઈ એસીબીની ઝપેટમાં આવી ગયા છે.
વેજલપુર પોલીસ સ્ટેશનમાં દસ દિવસ અગાઉ ખંડણીનો ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી યુવકની ધરપકડ કરીને માર ન મારવા તથા રિમાન્ડ ન માગવા માટે પીએસઆઈ પ્રજ્ઞેશ વ્યાસે રૂ. 1 લાખની માગણી કરી હતી. શરૂઆતમાં રૂ. 80 હજાર માંગ્યા હતા અને બાકીના રૂપિયા પછી આપવાની વાતચીત પીએસઆઈ અને ફરીયાદી વચ્ચે થઇ હતી. વેજલપુર પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આવેલી ભાગ્યોદય હોટલની પાછળ પીએસઆઈએ લાંચની રકમ આપવા માટે આરોપી યુવકના પિતાને બોલાવ્યા હતા. આ મામલે એસીબીમાં ફરીયાદ કરાતા ટ્રેપ ગોઠવીને આરોપી પીએસઆઈને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.