આગામી 28 ઓક્ટોબર સોમવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝની વડોદરા મુલાકાતે આવશે. વડોદરામાં પ્રધાનમંત્રી મોદીના આગમનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. PMના પ્રવાસને લઇ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે PM મોદીના આગમનને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. શહેરના કેટલાક રસ્તાઓ બે દિવસ બંધ રહેશે જેનું પોલીસે જાહેરાનામું બહાર પાડ્યું છે. ભારત-સ્પેનના PMની મુલાકાતને લઈને પોલીસનું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં વડોદરાના 33 રૂટ પર બે દિવસ ડાયવર્ઝન રહેશે. બે દેશના PM ખોડીયાર નગર વિસ્તારમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશનના ઉદ્ઘાટન સમારોહ સહિતના કાર્યક્રમ માટે આવી રહ્યા છે ત્યારે એરપોર્ટ સર્કલ તરફ જવાના તમામ રસ્તાઓ પર ડાઇવર્ઝન, ફતેગંજ, પંડ્યબ્રીજ, ગેંડા સર્કલ, યોગા સર્કલ, ટ્યુબ કંપની વાળા રોડ પર ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે અને ચકલી સર્કલ, અલકાપુરી, રેલવે સ્ટેશન, કાલાઘોડા તરફનો રસ્તો પણ બંધ કરી રહેશે. નાગરિકોને અગવડ ન પડે તે માટે રૂટના તમામ રસ્તાઓ પર વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવી છે. વડોદરા પોલીસ કમિશનરે નેતાઓના આગમનની તૈયારીની સમીક્ષા કરી. મહત્ત્વનું છે કે, આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરા પધારશે. ત્યારે તેમના આગમનને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્થાનિક સુરક્ષા ટીમ રૂટનું નિરીક્ષણ કરશે અને 4 લેયરમાં SPGની ટીમ સુરક્ષા કરશે. PM મોદી અને સ્પેનના વડાપ્રધાનના પ્રવાસને લઈને બે દિવસ અગાઉથી જ હાઇસિક્યુરિટી લાગુ થઈ ચુકી છે.
ઉલ્લેખનીય છે કે PM મોદી 28મી તારીખે વડોદરાના મહેમાન બનવાના છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે 28 ઓક્ટોબરના રોજ સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ પણ ગાયકવાડ શહેર વડોદરાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝનો રોડ શો યોજાશે. એરપોર્ટથી ટાટા એર ક્રાફટ કોમ્પ્લેક્સ સુધીનો રોડ શો યોજાશે. આ રોડ શો 2.5 કિમીનો રહેશે. સાથો સાથ બંને PM એર ક્રાફટ પ્લાન્ટની એસેમ્બલી લાઈનનું પણ ઉદ્ઘાટન કરશે. બંને દેશના PM વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝના આગમનને લઈ વડોદરાને શણગારાયું છે. વડોદરાના વિવિધ માર્ગો ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. કોર્પોરેશનની બિલ્ડિંગ પર લેઝર લાઈટ લગાવવામાં આવી છે. PM મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝના ફોટો પણ ગોઠવાયો છે. એરપોર્ટથી લક્ષ્મીવિલાસ પેલેસ સુધીના રોડને શણગારી દેવામાં આવ્યો છે. રોડ શોના રૂટ પર 10 સ્થળોએ કેસરી ગેટ સાથેના તોરણો લગાવવામાં આવ્યા છે. વેલકમ અને દિવાળી શુભેચ્છાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. 28 ઓક્ટોબરના રોજ બંને PMના રોડ શોને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનની વડોદરા મુલાકાત દરમિયાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ગો ઉપર 15 સાંસ્કૃતિક મંચ પરથી 200 જેટલા કલાકારો વિવિધ પરંપરાગત નૃત્યો થકી ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે.