કેનેડા રહેતી ગાંધીનગરની યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે. એમ. ટ્રાવેલ્સમાંથી ભારત કેનેડાની રિટર્ન ટિકિટ બુક કરાવી હતી. જો કે કેનેડા જવાનો સમય નજીક આવતા એજન્ટે ફોન ઉપાડવાનાં બંધ કરી દઈ છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી લીધા હતા. આ મામલે યુવતીના પિતાએ રૂ. 2.45 લાખની છેતરપિંડીની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાવી છે.
ગાંધીનગરના રાંદેસણમાં રહેતા કિરીટભાઈ ભગવાનદાસ પટેલ દિકરી કિંજલ વર્ષ 2016 થી કેનેડા ખાતે નોકરી કરે છે અને તે વાર તહેવારે ગાંધીનગર ઘરે આવજા કરતી હોય છે. ગત વર્ષે કિંજલ કેનેડાથી ગાંધીનગર પરત આવી હતી. બાદમાં પરત કેનેડા જવા માટે તેણીએ નવેમ્બર માસમા તેના ફોનના વોટસએપ ગ્રુપમા અમદાવાદથી કેનેડાની ફ્લાઇટની ટિકિટ બુક કરવા માટે મેસેજ કર્યો હતો. તે વખતે વોટસએપના માધ્યમ દ્વારા જે.એમ ટ્રાવેલ્સ દ્વારા ટિકિટ બુક કરવા માટે મેસેજ આવ્યો હતો.
જે નંબર પર સંપર્ક કરીને કિંજલે તા. 25/11/2023 ના દિવસની કેનેડા જવા માટે તેમજ તા.20/12/2023 ના રોજ પરત ભારત આવવા માટે ટિકિટ બુક કરવા પ્રોસેસ કરી હતી. તે પેટે મેં જે.એમ ટ્રાવેલ્સમા પ્રથમ રૂ. 49,500 તેમજ રૂ. 1 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ સંજોગો વસાત ટિકિટની તારીખમા ફેરફાર કરવાનો હોવાથી તેણીએ જે. એમ. ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો.
જે ટિકિટની કિંમતમાં ફેરફાર આવતા વધારા ના રૂ. 95,500 ટ્રાન્સ્ફર કર્યા હતા. આમ કેનેડા ભારત આવવા જવા માટે તેણીએ કુલ રૂ. 2.45 લાખ જે. એમ. ટ્રાવેલ્સને ચૂકવી દીધા હતા. બાદમાં કેનેડા પરત જવાનો સમય નજીક આવતા ટ્રાવેલ્સનો નંબર બંધ આવતો હતો. અને ટિકિટ પણ મળી ન હતી. જે અંગે તપાસ કરતા માલુમ પડેલ કે આવી કોઈ ટિકિટ બુક જ થઈ નથી. આ અંગે તેણીના પિતાએ ઈન્ફોસિટી પોલીસ મથકમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાવી છે.