ઉત્તરાખંડના અલ્મોડામાં સોમવારે સવારે 8 વાગ્યે એક પેસેન્જર બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 36 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત અલ્મોડાના કુપી પાસે થયો હતો. બસમાં 42 મુસાફર સવાર હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક હજુ વધી શકે છે. કુમાઉ ડિવિઝનના કમિશનર દીપક રાવતે કહ્યું, ‘આ અકસ્માતમાં 36 મુસાફરનાં મોત થયાં છે.’ બસ નદીથી લગભગ 10 ફૂટ પહેલાં ઝાડમાં ફસાઈ જતાં અટકી ગઈ હતી. ખીણમાં પડી જતાં ઝટકાને કારણે ઘણા મુસાફરો બારીઓમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. બસ કિનાથથી રામનગર જઈ રહી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર વિનીત પાલે ભાસ્કરને જણાવ્યું હતું કે ‘સોલ્ટ અને રાનીખેતથી બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 28નું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે 8 લોકોનાં હોસ્પિટલમાં મોત થયાં હતાં. દિવાળીની રજા બાદ સોમવાર પ્રથમ કામકાજનો દિવસ હતો, જેના કારણે બસ લોકોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. એમાં મોટા ભાગના સ્થાનિક લોકો સવાર હતા. પોલીસે જણાવ્યું હતું કે બસ ગઢવાલ મોટર્સ ઓનર્સ યુનિયન લિમિટેડની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બસની હાલત ખૂબ જ ખરાબ હતી.
બસ કિનાથથી રામનગર જઈ રહી હતી, જેમાં મોટા ભાગના સ્થાનિક લોકો સવાર હતા. કુપીની નજીક ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો ને લગભગ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે બસ ગઢવાલ મોટર્સની હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસ ઘણી જૂની હતી. હાલ અકસ્માત પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. પહેલી પ્રાથમિકતા ઘાયલોને બચાવવાની છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે અધિકારીઓને ઝડપથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.
સીએમ પુષ્કર સિંહ ધામીએ મૃતકોનાં પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. કમિશનરે કુમાઉ ડિવિઝનને આ ઘટનાની મેજિસ્ટ્રિયલ તપાસ કરવા સૂચના આપી હતી. પૌરી અને અલ્મોડાના ARTOને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બસ ખીણમાં પડતાં અનેક મુસાફરો બસમાંથી બહાર પટકાયા હતા અને દૂર પડ્યા હતા. અલ્મોડા એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. નૈનિતાલથી પણ પોલીસ ફોર્સ રવાના કરવામાં આવી હતી. SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘાયલોને હાલ રામનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંથી ગંભીર ઇજાગ્રસ્તોને એરલિફ્ટ કરીને હલ્દવાની ખસેડવામાં આવશે. કેટલાક ઘાયલોને ઋષિકેશ એઇમ્સમાં મોકલવામાં આવ્યા છે તેમજ નિષ્ણાત ડૉક્ટરોની ટીમને પણ હેલિકોપ્ટર દ્વારા રામનગર હોસ્પિટલ મોકલવામાં આવી છે.