દિવાળીનો તહેવાર એટલે આતશબાજી અને ફટાકડાનો તહેવાર. દેશભરમાં દિવાળીના પર્વ ઉપર ધામધૂમથી લોકો ફટાકડા ફોડે છે અને તેને કારણે હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણની માત્રા ખૂબ જ વધી જતી હોય છે. ત્યારે ફટાકડા ફોડવામાં ગુજરાતીઓ પાછા પડે જ નહીં અને દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતવાસીઓએ પણ મન મૂકીને ફટાકડા ફોડ્યા હતા. જેને કારણે ગુજરાતની હવા પ્રદૂષિત થઈ હતી. જે શ્વાસમાં લેવાથી ગંભીર બીમારી નોંતરી શકાય છે. ખાસ કરીને જે લોકોને શ્વાસ સંબંધિત બીમારી પહેલેથી જ હોય તેમના માટે તો આ વાયુ પ્રદૂષણ હાનિકારક કરતાં પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
છેલ્લા દસ દિવસમાં એટલે કે, 24 ઓક્ટોબર, 2024થી 3 નવેમ્બર 2024 દરમિયાન ગુજરાત રાજ્યમાં સુરત શહેરની હવા સૌથી વધુ પ્રદૂષિત રહી છે. ત્યારબાદ અમદાવાદ શહેરમાં પણ પ્રદૂષિત હોવાનું પ્રમાણ ખૂબ જ વધુ હતું. જે એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI) દ્વારા માપવામાં આવે છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(CPCB) દ્વારા દેશભરનાં વિવિધ શહેરોમાં દરરોજ સરેરાશ AQI માપવામાં આવે છે. કેટલાંક શહેરમાં એક કરતાં વધુ મોનિટરિંગ લોકેશન હોય છે. આ તમામ લોકેશનની સરેરાશ કાઢીને CPCB દ્વારા વિવિધ શહેર મુજબ એક ચોક્કસ AQI નક્કી કરવામાં આવે છે જે દરરોજ સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવે છે. CPCB દ્વારા સાંજના ચાર વાગ્યા સુધી બીજા દિવસના સાંજના ચાર વાગ્યા સુધીના 24 કલાકમાં સરેરાશ AQI મુજબ ગુજરાત રાજ્યમાં છેલ્લા દસ દિવસમાં સુરત શહેરનો AQI સૌથી ઊંચો રહ્યું હતું. એટલે કે, ગુજરાત રાજ્યમાં સૌથી પ્રદૂષિત હવા ધરાવતું શહેર છેલ્લા દસ દિવસ મુજબ સુરત શહેર રહ્યું હતું.
સુરત શહેરનો AQI 201થી 300ની વચ્ચે હતો. સુરત શહેરમાં પ્રદૂષણ હોવાનું પ્રમાણ વધારે જ હતું ત્યાં છેલ્લા દસ દિવસમાં WHOની ગાઈડલાઈન મુજબ પૂઅર એર ક્વોલિટી રહી હતી. એટલે કે, સુરત શહેરનો AQI 201થી 300ની વચ્ચે થયો હતો. CPCB દ્વારા ગુજરાત રાજ્યનાં સુરત, અમદાવાદ, અંકલેશ્વર, ગાંધીનગર અને વાપી એમ પાંચ સેન્ટર છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં મોનિટરિંગ લોકેશન છે. અમદાવાદ શહેરમાં CPCBના 9 મોનિટરિંગ લોકેશન છે જ્યારે અન્ય તમામ ચાર શહેરોમાં એક એક દિવસ દરમિયાન જેટલો પણ AQI રહ્યો હોય તેની સરેરાશ કાઢે છે.
છેલ્લા દસ દિવસ દરમિયાન સુરત શહેરમાં જે પ્રકારની હવા રહી છે તેના સંપર્કમાં ઘણા લાંબા સમય સુધી રહેવાથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. કારણ કે, જ્યારે 200થી વધુ AQI હોય ત્યારે WHO મુજબ શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. તાજેતરમાં જ દિવાળીના તહેવાર પહેલાં સુરત શહેરમાં ગત 26 ઓક્ટોબરના રોજ સૌથી વધુ 281 AQI નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં દેશની રાજધાની દિલ્હીમાં સૌથી પ્રદૂષિત હવા રહી છે. જ્યાં AQI 450ને પાર ગયું હતું. પરંતુ દિલ્હી શહેરની વચ્ચે ઇન્ડસ્ટ્રિયલ એરિયા હોવાથી ત્યાં હંમેશાં હવાનું પ્રદૂષણ સૌથી વધુ રહ્યું છે. પરંતુ ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં પણ ઇન્ડસ્ટ્રિયલ એરિયા ખૂબ મોટા પ્રમાણમાં છે. આથી તેમની હવાનું પ્રદૂષણ પણ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પ્રમાણમાં છે.
WHO અનુસાર જ્યારે કોઈપણ શહેરમાં AQI 0-50 હોય તો તેને સારી હવા માનવામાં આવે છે. આનાથી મનુષ્યને કોઈપણ નુકસાન થતું નથી. AQI 51- 100 હોય ત્યારે તેને સહી શકાય તેટલું પ્રદૂષણ કહેવામાં આવે છે. જે લોકોને શ્વસનતંત્રને લગતી તકલીફ હોય તેમને થોડા પ્રમાણમાં આ એર ક્વોલિટીથી તકલીફ થઈ શકે છે. AQI 101-200 તેને સામાન્ય કહેવામાં આવે છે તેનાથી અસ્થમા અને ફેફસાંને લગતી બીમારી ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. AQI 201-300 હોય ત્યારે તેને પ્રદૂષિત હવા કહેવામાં આવે છે. વધુ સમય સુધી તેના સંપર્કમાં રહેવાથી ફેફસાં અને શ્વસનતંત્રને લગતી ગંભીર બીમારીઓ થઈ શકે છે. AQI 301-400 હોય ત્યારે તેને અતિ ગંભીર હવા માનવામાં આવે છે તેનાથી શ્વસનતંત્રને ગંભીર હાનિ પહોંચી શકે છે. જ્યારે AQI 400થી વધુ હોય ત્યારે સ્વસ્થ લોકો પણ બીમાર થઈ શકે છે.
ગુજરાત રાજ્યમાં દિવાળીના તહેવાર દરમિયાન અને તેના કરતાં પહેલાં ગુજરાત રાજ્યની હવા ખૂબ જ પ્રદૂષિત રહી હતી. ખાસ કરીને CPCBના 26 ઓક્ટોબરના રિપોર્ટ મુજબ સુરત સહિત અમદાવાદ શહેરમાં પણ સૌથી વધુ પ્રદૂષિત હવાનું પ્રમાણ હતું. અમદાવાદ શહેરમાં પણ ગત 26 ઓક્ટોબરના રોજ 231 AQI નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, 26 ઓક્ટોબરના રોજ દિવાળી પહેલાંનો છેલ્લો શનિવાર હતો. ત્યારે ગુજરાતીઓ દિવાળીની તૈયારીઓ માટે ખરીદી સહિતનાં તમામ કાર્યો કરવા બજારમાં નીકળતા હોવાથી વાહનો સહિતનાં ઉપકરણોનો ઉપયોગ વધતાં પ્રદૂષણ વધ્યું હોઇ શકે છે. આ તમામ આંકડા CPCB અનુસાર સરેરાશ બાદના છે. એટલે કે, અમદાવાદ શહેરનાં નવ મોનિટરિંગ લોકેશનમાંથી કેટલાક વિસ્તારમાં સરેરાશ કરતાં વધુ હોઇ શકે છે. જેનાથી શ્વાસને લગતી તકલીફ સર્જાઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં ગઈકાલે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેનું મુખ્ય કારણ હવાનું પ્રદૂષણ પણ હોઇ શકે છે. કારણ કે, ઠંડીની શરૂઆતમાં વહેલી સવારે ઝાકળ જેવી સ્થિતિ હોય છે. પરંતુ સુરત શહેરમાં સૂર્યોદય બાદ પણ ગાઢ ધુમ્મસ છવાયેલું હતું તેને કારણે વિઝિબિલિટી પણ ઘટી હતી. શિયાળા દરમિયાન હવામાં રહેતા રજકણો અને હાનિકારક મેટલ પાર્ટિકલ્સ કે જે હવામાં હાજર હોય છે તેની ઘનતા વધી જતા વાતાવરણના નીચલા સ્તર ઉપર સ્થાયી થાય છે. જેને કારણે હવામાં ધુમ્મસ છવાયેલું દેખાય છે. જે શ્વાસમાં લેવાથી ફેફસાં અને શ્વસનતંત્રને લગતી બીમારી થઈ શકે છે. આથી શિયાળા દરમિયાન વહેલી સવારે જ્યારે ધુમ્મસ છવાયેલું હોય ત્યારે માસ્ક પહેરીને જ બહાર નીકળવું જોઈએ.