જમ્મુ કાશ્મીરમાં શનિવારે ઘાટીના ઉપરના વિસ્તારોમાં ફરી એકવાર બરફવર્ષા અને વરસાદનો દોર શરૂ થઈ ગયો. જ્યારે શ્રીનગર સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદની સાથે આખો દિવસ આકાશમાં વાદળો છવાયેલા રહ્યા.
અનેક વિસ્તારોમાં 1 ઈંચથી વધારે બરફ પડતાં લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. પહાડો પર હિમવર્ષાના કારણે મેદાની પ્રદેશોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
કાશ્મીરના પ્રવાસન સ્થળ ગુલમર્ગથી લઈને કુપવાડા સુધી બરફવર્ષાના કારણે ચારેબાજુ સફેદ બરફની ચાદર જોવા મળી રહી છે. તેના કેટલાંક ખૂબસૂરત વીડિયો સામે આવ્યા છે.
ગુલમર્ગ સફેદ બરફના કારણે મકાનો, દુકાનો, હોટલ, વૃક્ષો, રસ્તા સહિત દરેક જગ્યાએ બરફ જ બરફ પથરાયેલો જોવા મળ્યો.
સોનમર્ગ વિસ્તારમાં સિઝનની પહેલી બરફવર્ષા થતાં વાતાવરણ આહલાદક બન્યું છે. જેના કારણે અહીંયા આવેલા પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે. જોકે લઘુત્તમ તાપમાન નીચે જતાં લોકોને સ્વેટર સહિત ગરમ વસ્ત્રો પહેરવાની નોબત આવી છે.
બીજી તરફ કુપવાડામાં પણ શનિવારે હિમવર્ષા ચાલુ રહી જેના કારણે રસ્તા પર અનેક ઈંચ સુધી બરફ જામી ગયો.
વાહન વ્યવહારને કોઈ અસર ન થાય તે માટે સ્થાનિક પ્રશાસન દ્વારા મશીનની મદદથી રસ્તા પરનો બરફ દૂર કરવાની કામગીરી કરવામાં આવી.
બાંદીપોરા પણ ભારે હિમવર્ષાના જીવંત દ્રશ્યો સામે આવ્યા જેમાં બાઈક, કાર અને મકાન બધું બરફની સફેદ ચાદરમાં લપેટાયેલા. ધરતી પરના સ્વર્ગ કહેવામાં આવતાં જમ્મુ કાશ્મીરમાં બરફ વર્ષાની લાખો પ્રવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.
હજુ તો બરફવર્ષાની શરૂઆત છે. પરંતુ આગામી દિવસોમાં અહીંયા ભારેથી અતિભારે હિમવર્ષા થવાની સંભાવના છે.
અત્યારથી જ પહાડો પર હિમવર્ષાથી મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ત્યારે આગામી દિવસોમાં મેદાની વિસ્તારના લોકોએ કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.