મણિપુરમાં હાલાત બેકાબૂ થવા લાગ્યા છે. જીરીબામ જિલ્લાની એક નદીથી 6 ગૂમ થયેલા લોકોના મૃતદેહ મળ્યાના ગણતરીના કલાકોમાં રાજ્યમાં હિંસા ફરી ભડકી ગઈ. મીડિયા રિપોર્ટ મુજબ પ્રદર્શનકારીઓએ શનિવારે 3 મંત્રીઓ અને છ જેટલા વિધાયકોના ઘર પર હુમલો કર્યો. ત્યારબાદ રાજ્ય સરકારે પાંચ જિલ્લામાં કરફ્યૂ લગાવી દીધો છે અને કેટલાક ભાગોમાં ઈન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરી છે.
અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યમાં સ્થિતિ કથળી રહી છે. પ્રદર્શનકારીઓએ 3 વિધાયકોના ઘરોમાં તોડફોડ કરી જેમાં મુખ્યમંત્રી એન બીરેન સિંહના જમાઈનું ઘર પણ સામેલ હતું. હિંસક બનેલી ભીડે વિધાયકોના ઘરમાં આગ લગાવી દીધી. જેના જવાબમાં સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા.
મળતી માહિતી મુજબ સોમવારથી ગુમ થયેલા બે મહિલાઓ અને એક બાળકનો મૃતદેહ શનિવારે જીરીબામના બારક નદીમાંથી મળી આવ્યા. જ્યારે ત્રણ અન્ય મૃતદેહો જેમાં એક મહિલા અને બે બાળકો સામેલ હતા તેમના શુક્રવારે રાતે મળ્યા હતા. આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અસમના સિલચર મેડિકલ કોલેજ હોસ્પિટલ મોકલી દેવાયા.
જે મંત્રીઓના ઘરોને પ્રદર્શનકારીઓએ નિશાન બનાવ્યા તેમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સાપમ રંજન, ખપત અને સાર્વજનિક વિતરણ મંત્રી એલ સુસીન્દ્રો સિંહ, અને શહેરી વિકાસ મંત્રી વાય ખેમચંદના ઘર સામેલ છે. ભડકેલી હિંસાને જોતા રાજ્ય સરકારે ઈમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ, બિષ્ણુપુર, થૌબલ અને કચિંગ જિલ્લાઓમાં કરફ્યૂ લગાવ્યો છે. પ્રદર્શનકારીઓએ સ્વાસ્થ્યમંત્રી સાપમ રંજનના ઘર પર હુમલો કર્યો જે ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લાના લમ્પેલ સંકેઈથેલમાં છે.
પોલીસે જણાવ્યું કે સાપમે પ્રદર્શનકારીઓને કહ્યું કે તેઓ છ હત્યાઓના મામલાને કેબિનેટ બેઠકમાં ઉઠાવશે અને જો સરકાર જનતાની ભાવનાનું સન્માન નહીં કરે તો તેઓ રાજીનામું આપવા તૈયાર છે. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા મણિપુરમાં સુરક્ષાદળોએ એક મોટી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 11 હથિયારબંધ કુકી ઉગ્રવાદીઓને માર્યા હતા.
જે જીરીબામ જિલ્લાના બોરોબેકરામાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કરવા આવ્યા હતા. 11 નવેમ્બરે બપોરે 3.30 વાગે કુકી ઉગ્રવાદીઓએ જીરીબામના બોરોબેકરા સ્થિત સીઆરપીએફ કેમ્પ પર હુમલો કર્યો. સીઆરપીએફએ પણ જવાબી કાર્યવાહી કરી અને અથડામણમાં ઓછામાં ઓછા 11 કુકી ઉગ્રવાદીઓ માર્યા ગયા. આ હુમલા બાદ 3 મહિલાઓ અને 3 બાળકો ગૂમ થયા હતા. એવું કહેવાય છે કે કુકી ઉગ્રવાદીઓએ આ છ સભ્યોનું અપહરણ કર્યું હતું.
ત્યારબાદ આ અપહ્રત લોકોમાંથી 3 મૃતદેહો જીરીમુખમાંથી મળ્યા. મણિપુરમાં હિંસાની શરૂઆત ગત વર્ષ 3 મેથી થઈ. જ્યારે મણિપુર હાઈકોર્ટના એક આદેશ વિરુદ્ધ કુકી- જો જનજાતિ સમુદાયના પ્રદર્શન દરમિયાન આગચંપી અને તોડફોડ થઈ. હકીકતમાં મૈતેઈ સમુદાયે મણિપુર હાઈકોર્ટમાં જનજાતિ દરજ્જાની માંગણીવાળી અરજી દાખલ કરી હતી.
મૈતેઈ સમુદાયની દલીલ હતી કે 1949માં મણિપુરનો ભારતમાં વિલય થયો હતો. તે પહેલા તેમને જનજાતિનો દરજ્જો મળ્યો હતો. મણિપુર હાઈકોર્ટે અરજી પર સુનાવણી પૂરી થયા બાદ રાજ્ય સરકારને ભલામણ કરી હતી કે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) માં સામેલ કરવા પર વિચાર કરવામાં આવે.