ગાંધીનગરનાં સેકટર – 28 ગાર્ડનમાં ગઈકાલે સાંજના ટ્રેનમાં બેસવાના મુદ્દે ટ્રેનના ડ્રાઇવર અને જુહાપુરાનાં સહેલાણીઓ વચ્ચે થયેલી લોહિયાળ માથાકૂટમાં સેકટર – 21 પોલીસે બંને પક્ષે સામસામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 28 ગાર્ડનમાં મિની ટ્રેનના ડ્રાઇવર તરીકે નોકરી કરતા વિશાલ મોચીએ ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તે અને ટીટી વિક્રમ ફરજ ઉપર હાજર હતા. એ વખતે સાંજના ટ્રેનની એન્જિનના પાછળના ડબ્બામાં બેસેલા ઈસમે જોરથી બૂમ પાડીને ટ્રેન ઊભી રખાવી એકદમ ઊભો થઈ ગયો હતો. આથી વિશાલે ઈશારો કરીને ટીટી વિક્રમને મુસાફરોને નીચે બેસાડી દેવા કહ્યું હતું.
જેથી તે અને તેની સાથેના અન્ય ઈસમોએ એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી નીચે ઉતરીને વિશાલને નીચે પાડી દઈ ગળું દબાવી પાઈપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. આ હુમલામાં વિશાલને પગે અને કપાળના ભાગે ઈજાઓ થઈ હતી. બીજી તરફ જુહાપુરાનાં અકબરખાન યાકુબખાનખાન પઠાણે સામે પક્ષે ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે તે અને તેના વીસેક જેટલા સંબંધીઓ સેકટર – 28 ગાર્ડનમાં ફરવા માટે ગયા હતા. એ વખતે એક એક કરીને ટ્રેનમાં બેસવા દોડ્યા હતા. ત્યારે ટ્રેનના ડ્રાઈવરે ધીમી ગતિ ટ્રેન ચાલુ કરી હતી. જો કે, અમારી સાથેના બે બહેનો અને બાળકોને બેસવાનું બાકી હોવાથી ડ્રાઇવરને ટ્રેન ઊભી રાખવાનું કહ્યું હતું.
જેથી ડ્રાઇવર અચાનક ગાળો બોલવા લાગ્યો હતો. જેને ગાળો બોલવાની ના પાડતાં તે એકદમ ઉશ્કેરાઈ જઈ આજુબાજુમાંથી પાઈપ લાવી અકબર અને સાથેના મહમદ અયાન મહમદ ઈકબાલ શેખને મારી દીધી હતી. ઉપરાંત સાથેની મહિલાને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં બધા ભેગા થઈ જતાં મામલો શાંત પડ્યો હતો. અને અકબર સહિતના પરીજનો ગાર્ડનની બહાર નીકળતા હતા. એ વખતે ડ્રાઈવરે છરી વડે અકબર અને મહમદ અમાન ઉપર પાછળથી હુમલો કર્યો હતો. આ માથાકૂટમાં મહમદ અમાનની ચેઈન પણ ક્યાંય પડી ગઈ હતી. બાદમાં બંનેને ગાંધીનગર સિવિલથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા હતા.