ગાંધીનગર
ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બાકી મિલ્કત વેરો નહીં ભરનાર એકમોને નોટિસો આપી ૧૦ મી નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તેમ છતાં બાકીદારો મિલ્કત વેરો ભરવામાં ઠાગાતૈયા કરવામાં આવતાં આખરે મહાનગર પાલિકાની મિલ્કત શાખા દ્વારા સીલિંગ અને ટાંચ જપ્તીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મિલકતવેરાની એડવાન્સ ચૂકવણીમાં વળતરની યોજના પૂરી થયા બાદ ગાંધીનગર કોર્પોરેશને વેરો નહીં ભરનારા મિલકતધારકોની યાદી તૈયાર કરી હતી. જેના ભાગરૂપે રૂ. એક લાખથી વધુનો વેરો નહીં ભરનારા ૬૩૯ બાકીદારોને આખરી નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસ બાદ પણ મિલ્કત વેરો ભરવામાં નહીં આવે તો દિવાળી પછી જપ્તી ઝુંબેશ શરૂ કરવાનું પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકામાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન વર્ષની શરૂઆત ૧ અપ્રિલથી ૩૦ જુલાઈ સુધી વેરો ભરનાર નાગરિકોને ૧૦% રીબેટનો લાભ આપી કુલ રૂ.પર કરોડ વેરાની વસુલાત કરેલ હતી.
ત્યારબાદ બાકીદારોને પ્રથમ અને આખરી નોટીસ આપી બીજો રૂ.૮ કરોડ જેટલો વેરો વસુલાત કરવામાં આવ્યો હતો. તેમાં આખરી નોટીસ આપ્યા બાદ પણ જે બાકીદારો એ મિલક્તવેરો ભરપાઈ કરેલ નથી તેવા બાકીદારોને આજ રોજ મ્યુનિસિપલ કમિશનરના હુકમ અન્વયે ટાંચ અને જમી વોરંટ ઇસ્યુ કરી મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ત્રણ ઝોન પૈકીનાં દક્ષીણઝોનમાં સેક્ટર ૬ ખાતે જશરાજ આર્કંડમાં આવેલ લીઓ લાઈબ્રેરી પ્રથમ માળનો વેરો રૂ. ૧,૧૨,૯૪૫ તથા બેઝમેન્ટનો વેરો રૂ. ૧,૧૦, ૧૯૮ જેટલો વેરો બાકી હતો. જેથી આ મિલકતને સીલ કરવામાં આવ્યું છે.જ્યારે અન્ય બાકીદારો જેવા કે પૂનમ પાર્ટી પ્લોટ રાયસણ રૂ.૬,૦૭,૧૭, જેએમડી હોસ્ટેલ રાયસણ રૂ.૨, ૪૫, ૨૭૩ અને દર્શ હોસ્ટેલ રાયસણ રૂ .૧,૫૦,૫૪૮ નો મિલ્કત વેરો પણ બાકી હતો. આ બાકીદારો રૂબરૂમાં ચેક આપીને વેરો ભરી દેવામાં આવ્યો છે. ઉત્તરઝોન ખાતે સીલીંગ ઝુંબેશ અંતર્ગત કુલ ૧૧ એકમોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૧૧ બાકીદારો પાસેથી કુલ રૂ. ૯, ૮૨,૪૭૦ ની વેરા વસુલાત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ૫૦ હજારથી વધુ મિલ્કત વેરો બાકી હોય તેવા તમામ બાકીદારોને સીલીંગ અને જપ્તી વોરંટ કાઢી વસુલાત કરવામાં આવશે.